ગ્રામ પંચાયતો, સરકારી વિભાગો, વાણીજ્ય વિસ્તાર, રહેણાંક વિસ્તારો, આરોગ્ય કેન્દ્ર તથા આંગણવાડી કેન્દ્રો, બાગ-બગીચાઓની સફાઈ કરાઈ


ભારત સરકારશ્રી દ્વારા ૨જી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’’ ને “સ્વચ્છોત્સવ તરીકે ઉજવણી કરાઇ રહી છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીનાં ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તા.૨ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” પખવાડિયાની ઉજવણી કરાશે. ત્યારે આ ઉજવણીના ભાગરૂપે કચ્છભરમાં ઠેર ઠેર સ્વચ્છતા કાર્યક્રમો તથા જનજાગૃતિની પ્રવૃતિઓ કરવામાં આવી હતી.
“સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અંતર્ગત કચ્છની નગરપાલિકા દ્વારા માંડવી, અંજાર, નખત્રાણા, ભુજ સહિતના શહેરોમાં સામાન્ય સફાઈની કામગીરી અંતર્ગત ગ્રામ પંચાયતો, સરકારી વિભાગો, વાણીજ્ય વિસ્તાર, રહેણાંક વિસ્તારો અને સ્લમ વિસ્તારોની સફાઈ, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી કેન્દ્રો, બાગ-બગીચાઓ, ફૂટપાથ, રસ્તાઓની સફાઇ સહિતની કામગીરી હાથ ધરાઇ હતી.
જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં સફાઇ અભિયાન અંતર્ગત કામગીરી કરાઇ હતી. ગ્રામ્યસ્તરે પણ લોકો સક્રીયભાગીદારી સાથે જોડાઇને સ્વચ્છોત્સવની ઉજવણી કરી હતી. કાંડાગરા, કોટડા, આડેસર, સુગારીયા, માનકુવા, ધાણેટી, ધામડકા, બુંઢારમોર, રતનાલ, પધ્ધર સહિતના ગામડાઓમાં રોડ-રસ્તા, ધાર્મિક અને પ્રવાસન સ્થળો, નદી, તળાવો, ગામના એન્ટ્રી પોઈન્ટ ઉપરાંત માતાના મઢ પદયાત્રના કેમ્પના રસ્તાઓમાં સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કામગીરીમાં ગામના સરપંચશ્રી, ઉપ સરપંચશ્રી, તલાટીશ્રી, આંગણવાડી બહેનો તેમજ સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓ તથા ગ્રામજનો જોડાયા હતા.