જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમે કચ્છના જનપ્રતિનિધિશ્રીઓના પ્રશ્નો અંગે અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપીને તાત્કાલિક ઉકેલવા તાકીદ કરી


આજરોજ કચ્છ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ તથા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓની હાજરીમાં જિલ્લા સેવા સદન ભુજ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. કચ્છ જિલ્લાના પ્રજા હિતના પ્રશ્નો જે પ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે તેનો તાત્કાલિક ઉકેલ આવે તે દિશામાં કામગીરી કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને સૂચનાઓ સાથે અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું.
સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ રાપર તાલુકામાં આરોગ્ય કેન્દ્રોમાં સુવિધા તથા સેવા દુરસ્ત કરવા સહિતના મુદે રજૂઆત કરવા સાથે કચ્છમાં વરસાદ બાદ બિસ્માર રોડ- રસ્તાના રીપેરીંગ કામો ત્વરિત રીતે પૂર્ણ કરવા ચોક્કસ આયોજન ઘડવા મૌખિક રજૂઆત કરી હતી. આ ઉપરાંત સાંસદશ્રીએ બાયપાસ રોડ બની જતાં ભુજમાં ભારે વાહનોના નિયમન અંગે રજૂઆત કરી હતી. આ સાથે કચ્છ ભૂકંપ ઝોન-૫માં આવતું હોવાથી ટી.પી.ના નિયમો તથા બાંધકામ અનુંસધાને જરૂરી સુધારા કરવા તેમજ ભુજના ભૂકંપગ્રસ્ત નાગરિકોના પ્રોપર્ટીને લગતા પડતર મુદાઓનો ઉકેલ ત્વરાએ લાવવા પર ભાર મૂક્યો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાએ ફાચરીયા, બગડા, છસરા જૂથ પાણી યોજનાનું કામ પૂર્ણ કરવા, લો-વોલ્ટેજની સમસ્યા નિવારવા શિકારપુરમાં ફીડર ચાલુ કરવા, વાંઢીયા ગામના પેટા કેનાલની કામગીરી કામગીરી પૂર્ણ કરવા રજૂઆત કરી હતી.
સંકલન બેઠકમાં રાપર મતવિસ્તારના ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ ભચાઉ તથા રાપર શહેરમાં સીટી સર્વેનો પ્રશ્ન, ગેડી શક્તિનગરથી સેલારી રસ્તાના અધૂરા કામ, નર્મદા કેનાલની માટીથી ખેડૂતોને થતું નુકશાન, ફતેહગઢ વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન, સામખીયાળી પાણીની લાઇનનું કામ, રવ તથા સેલારી એજી ફિડરમાં સિંગલ ફેઝ પાવર આપવા, ઝાડી કટીંગ, કચ્છ બ્રાન્ચ કેનાલના રીપેરીંગ કામની વિગતો, મુંદરાથી પાણીપત પાઇન લાઇનના કામથી રસ્તા તથા પાણીની લાઇનોને થયેલા નુકશાનની મરંમત, નેશનલ હાઇવે ૨૭ મેવાસા થી માણાબા રોડનું કામ કરવા, બિસ્માર રસ્તાના સમારકામ, પાણીને લગતા વિકાસ કામો માટેની અડચણો દૂર કરવા, બાલાસર સબ ડિવિઝન હેઠળના ગામોમાં અનિયમિત વીજ પુરવઠો, કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી ગાગોદર પેટા કેનાલમાં સમાવિષ્ટ ગામોમાં સિંચાઇનું પાણી પેટા કેનાલ દ્વારા આપવા, વીજ મીટરના નિયમિત રીડિંગ, રાપર સીએચસીમાં પુરતુ મહેકમ સાથે સુવિધા આપવા સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી.
અંજારના ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા વનવિભાગની રોપા વિતરણ અને ઉછેરની કામગીરી, ભારાપર બળદિયા કેરા બાયપાસ, ધ્રંગમાં પાણીની સુવિધા માટે ભુજ પાણી યોજના ઝડપથી પૂર્ણ કરવા, ખેડોઈ ખાતે બેંક સુવિધા, વરસાણા ધર્મશાળા નેશનલ હાઇવે પર ટોલબૂથનું નિયત અંતરે નિર્માણ, ભચાઉ હાઈવે ઉપર બ્રીજ અને અન્ડરબ્રીજ કે ક્રોસિંગ વગેરે પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.
ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલ દ્વારા ભૂકંપમાં બહુમાળી ઇમારતોમાં માલિકીની પડી ગયેલી દુકાનોનો પ્રશ્ન, સિંચાઇના ડેમના સમારકામ, ભુજના ઓપન એર થિયેટરની સુધારણા, ભૂકંપગ્રસ્તોને અપાયેલી મકાન માટે આપેલી જમીનને જુની શરતમાં ફેરવવાનો પ્રશ્ન, માધાપર જુનાવાસની સોસાયટીમાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ કરવા સહિતના પ્રશ્નોની રજૂઆતો કરી હતી.
અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ નખત્રાણા ટાઉનહોલનું કામ ત્વરાએ શરૂ કરવા, અકસ્માત વીમા યોજના, પાક ધિરાણ, નખત્રાણા ખાતે જાબરી, તલ-લૈયારી, છારી-ફુલાય ડેમ નિર્માણ, તાલુકામાં વીજ સબ સ્ટેશનોની સ્થિતિ, ધાવડા મોટાના હક્કપત્રકોનો મુદો, અંગિયાના રેવન્યુ રેકર્ડમાં નામ સુધારો, નલીયામાં સરકારી કોલેજ માટે જમીન ફાળવવા, નખત્રાણા બાયપાસ, દયાપર સરકારી કોલેજ, અબડાસાના વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓના નવા ઓરડાઓનું નિર્માણ, વિદ્યાર્થીઓ માટે બસ સુવિધા વગેરે સંબંધિત પ્રશ્નોની રજૂઆત કરી હતી.
સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી પુરૂષોત્તમભાઇ મારવાડાએ કુમાર અને કન્યા નિવાસી શાળાઓની સ્થિતિ, લેન્ડ કમિટીની નિયમિત બેઠક યોજવા, અનુ.જાતિ, અનુ. જનજાતિ તથા સા.શૈક્ષણિક પછાત જાતિના છાત્રાલયોની વિગતોની માહિતી સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા.
નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, ડી.સી.એફ. પૂર્વ કચ્છ આયુષ વર્મા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ અને કચ્છ વહીવટીતંત્રના વિવિધ વિભાગોના શીર્ષ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦