ગ્રામ્યકક્ષાએ પાણી સમિતિઓ અને ગ્રામપંચાયતો દ્વારા આંતરિક પાણીના સ્ત્રોતોનીસાફ સફાઈની કામગીરી કરાઈ


ગુજરાત રાજ્ય સરકારશ્રીના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫ થી તા. ૦૨ ઓક્ટોબર ૨૦૨૫ સુધી ‘સ્વચ્છતા હી સેવા અભિયાન – ૨૦૨૫’ની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત કચ્છમાં વાસ્મોની ટીમ દ્વારા ગ્રામ્ય આંતરિક પાણી વિતરણ વ્યવસ્થાના સ્ત્રોતો એવા પાણીની ટાંકી, પશુઓને પીવા માટેના આવેડા અને ભૂગર્ભ ટાંકાની સાફ સફાઈ કરવામાં આવી હતી. આ સાથે પાણીની લાઈનનું સમારકામ કરીને લોકોમાં પાણીના બચાવ તથા સ્વચ્છતા વિશે જન જાગૃતિ લાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ સાથે ગ્રામ્યકક્ષાએ પાણી સમિતિઓ, ગ્રામ પંચાયતો તથા ગ્રામજનો દ્વારા પરસ્પર સહકાર અને સંકલન સાધીને ગ્રામ્ય સ્તરે આ અભિયાન હેઠળ વિવિધ પ્રકારની કામગીરી કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, વાસ્મોની ટીમ દ્વારા કચ્છ જિલ્લાના કુલ ૧૦૧ જેટલા ગામોમાં સફાઈની કામગીરી કરાઈ છે, સાથે જ પાણી સમિતિ, ગ્રામપંચાયતો સાથે બેઠક, ચર્ચા, સ્વચ્છતાના સંકલ્પ લેવા, શાળા અને આંગણવાડીમાં ફિલ્ડ ટેસ્ટ કીટ (FTK) દ્વારા પાણી ગુણવત્તાની ચકાસણી તથા પાણી ગુણવત્તા વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ગામોમાં મુખ્ય ટાંકામાં શુદ્ધ પાણી વિતરણ થાય તે હેતુથી ક્લોરીનેશન સહિતની કામગીરી પણ કરાવવામાં આવી હતી.