આઈ.સી.ડી.એસ ભુજ ઘટક ૧ ખાતેમીલેટ્સ વાનગીઓની નિર્દેશન સ્પર્ધા યોજાઈ

પોષણ ઉત્સવ ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત આઈ.સી.ડી.એસ ભુજ ઘટક: ૦૧ ખાતે લોહ તત્વથી ભરપૂર મીલેટ્સ વાનગીઓની નિર્દેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો સાથે જ મેદસ્વિતાથી દુર રહેવા અને ઘટાડવા બાબતે સમજ મેળવી હતી.
જેમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી દશરથ પંડ્યા દ્વારા કાર્યકર બહેનોને આંગણવાડી કક્ષાએ બાળકોનું નિયમિત વજન અને ઉંચાઈ કરવા તેમજ માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાનના પર ભાર મૂકવા જણાવ્યું હતું. સાથે જ મેદસ્વિતા સામે તેલ, ખાંડ અને મીઠાનું સેવન ઘટાડીને કઈ રીતે મેદસ્વિતા દૂર કરી શકાય તેના વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ઇન્નર વ્હીલ ક્લબના ઉપપ્રમુખ રચનાબેન શાહ દ્વારા પોષણયુક્ત પરંપરાગત વાનગીઓને કઈ રીતે તૈયાર કરવી તે વિષયક સમજ આપવામાં આવી હતી.
કાર્યકર બહેનો દ્વારા બનાવવામાં આવેલી મીલેટ્સની વાનગીઓને ૧ થી ૩ નંબર આપી પ્રોગ્રામ ઓફિસર શ્રી દ્વારા કાર્યકર બહેનોને પ્રમાણપત્ર અને ઇનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં ભુજ ઘટક-૧ના ઇન્ચા., સી.ડી.પી.ઓ શ્રી પ્રવિણાબેન ગોર, તમામ સેજાના મુખ્યસેવિકાશ્રી, NNM કોઓર્ડિનેટર, કચેરીના કર્મચારીઓ તથા આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતાં તેમજ ઇન્નર વ્હીલ ક્લબ ઓફ ભુજ ફલેમિંગોના પ્રમુખ શ્રી વિશ્વાબેન ઢાલ, ઉપપ્રમુખ શ્રી રચનાબેન શાહ અને સેક્રેટરી શ્રી ફાલ્ગુનીબેન પારેખ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતાં.