‘સ્વચ્છતા હી સેવા અભિયાન – ૨૦૨૫

સ્વચ્છ ભારત મિશનનાં ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’’ ને “સ્વચ્છોત્સવ તરીકે ઉજવણી કરાઇ રહી છે. ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તા.૨ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” પખવાડિયાની ઉજવણી કરાશે. ત્યારે આ ઉજવણીના ભાગરૂપે કચ્છભરમાં “એક દિન, એક ઘંટા, એક સાથ સ્વચ્છ” મહા શ્રમદાન દિવસની ઉજવણીની અંતર્ગત ઠેર ઠેર સ્વચ્છતા કાર્યક્રમો તથા જનજાગૃતિની પ્રવૃતિઓ કરવામાં આવી હતી.

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ તથા નગરપાલિકા દ્વારા “એક દિન, એક ઘંટા, એક સાથ” સ્વચ્છતા મહા શ્રમદાન દિવસની ઉજવણી કચ્છના વિવિધ તાલુકાઓમાં કરવામાં આવી હતી. “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અભિયાન અન્વયે ભચાઉ, રાપર, ગાંધીધામ, નલિયા, અબડાસા, માંડવી, અંજાર, નખત્રાણા, ભુજ સહિતના તાલુકાના ગામોમાં તાલુકાકક્ષાના મહાશ્રમ દાનના કાર્યક્રમો ગ્રામ્યસ્તરે યોજાયા હતા. “એક દિન, એક ઘંટા, એક સાથ” પહેલ અંતર્ગત સામૂહિક સફાઈની ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં ગ્રામ પંચાયતો, સરકારી વિભાગો, રહેણાંક વિસ્તારો અને સ્લમ વિસ્તારોની સફાઈ, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી કેન્દ્રો, બાગ-બગીચાઓ, ફૂટપાથ, રસ્તાઓની સફાઇ સહિતની કામગીરી હાથ ધરાઇ હતી.

તાલુકાના વિવિધ ગામોમાં સફાઇ અભિયાન અંતર્ગત ગ્રામ્યસ્તરે ગ્રામપંચાયત અને લોકો સક્રીયભાગીદારી સાથે “એક દિન, એક ઘંટા, એક સાથ” જોડાઇને સ્વચ્છોત્સવની ઉજવણી કરી હતી. સુખપર, ભારાપર, આશાપર, કરમરિયા, નાગલપર, કારાઘોઘા, કાઠડા, કુકમા, પાન્ધ્રો, વોંધ,  મીઠીરોહર, મોમાઈમોરા, દયાપર, ગવરીપર, વરસામેડી સહિતના ગામડાઓમાં રોડ-રસ્તા, ધાર્મિક અને પ્રવાસન સ્થળો, નદી, તળાવો, ગામના રસ્તાઓમાં સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ ગામોમાં સફાઈ અંગે જાગૃતતા લાવવા માટે શ્રમદાન કાર્યક્રમ સાથે રેલી, ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા પણ યોજાઈ હતી. આ સાથે જ વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સદસ્યોશ્રી, ગ્રામપંચાયત સરપંચશ્રી,ઉપસરપંચશ્રી, ગ્રામપંચાયતના સદસ્યો, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તલાટીશ્રી, સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજનાનો સ્ટાફ, આંગણવાડી બહેનો, સફાઈ મિત્રો તેમજ મોટી સંખ્યામાં ગામલોકો, બાળકો, શિક્ષકો હાજર રહી એકસાથે શ્રમદાનના કાર્યક્રમમાં સહભાગી થયા હતા.