લાલન કૉલેજમાં ‘ફંકશનલ અંગ્રેજી’ કોર્સ શરૂ કરાયો

અહીંની લાલન કૉલેજના અંગ્રેજી વિભાગ દ્વારા  ફંકશનલ અંગ્રેજી કોર્સનો નવતર પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ અભ્યાસક્રમમાં હાલના તબક્કે માત્ર ૩૦ બેઠકો ઉપલબ્ધ રહેશે. એક સેમેસ્ટરનો આ કોર્સ વિદ્યાર્થીઓ માટે
રોજગારક્ષમતા વધારવાનો એક અનોખો અવસર પૂરો પાડશે, જેમાં  માત્ર કોલેજના જ નહીં પરંતુ બારમાં ધોરણની
લાયકાત ધરાવતા બાહ્ય વિદ્યાર્થી પણ જોડાઈ શકશે. 
લાલન કોલેજમાં યોજાયેલ પરિસંવાદના ઉદ્ઘાટન સત્ર દરમિયાન આ કોર્સ કચ્છ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડૉ. અનિલ
ગોરના વરદ હસ્તે ઇ-લોન્ચિંગનાં માધ્યમથી ખુલ્લો મુકાયો હતો.  આ કોર્સનો આરંભ કોલેજના અંગ્રેજી વિભાગ
દ્વારા સમગ્ર જિલ્લામાં પ્રથમવાર લગભગ અઢી દાયકા પહેલાં કારકિર્દી લક્ષી અભ્યાસક્રમ તરીકે કરવામાં આવ્યો
હતો. બાદમાં વર્ષ ૨૦૧૬માં તેને ઓપન ઇલેક્ટિવ વિષય તરીકે પુનઃ રજૂ કરવામાં આવ્યો હતો. હવે ચાલુ વર્ષે ફરી
એકવાર આ અભ્યાસક્રમને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ની માર્ગદર્શિકા મુજબ વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવામાં આવ્યો છે.
કોલેજના આચાર્ય ડો. સી. એસ. ઝાલાએ આ કોર્સથી વિદ્યાર્થીઓને માત્ર ભાષાકૌશલ્યનો જ વિકાસ નહીં પરંતુ
સ્નાતક ઉપાધિ માટે ક્રેડિટ મેળવવાની તક અને કચ્છ યુનિવર્સિટીનું પ્રમાણિત સર્ટિફિકેટ મેળવવાનો લાભ મળશે એમ
જણાવ્યું હતું. 
અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડો. મનોજ છાયાએ માહિતી આપી હતી કે વિવિધ સ્તરે વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાએ
ઉપલબ્ધ અંગ્રેજી અભ્યાસમાં જ્યાં અવકાશ રહી જતો હોય તે પૂરી શકાય અને વ્યવહારક્ષમ કૌશલ્ય વિકસાવી શકાય
તે માટે જરૂરી મુદ્દાઓ આ કોર્સમાં સમાવાયા છે. આ અભ્યાસક્રમમાં અંગ્રેજી ભાષાના વ્યવહારુ ઉપયોગ પર ભાર
મૂકવામાં આવશે. સ્પોકન અંગ્રેજીના પણ ઘણા આયામ આ કોર્સમાં હોવાથી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો
થશે તથા વિવિધ ક્ષેત્રોમાં રોજગારની તકો માટે તેઓ વધુ તૈયાર બનશે.
અંગ્રેજી વિભાગના પ્રોફેસરો ડૉ. અમીન સમા, ડૉ. મેહુલ મકવાણા, ડો. હેતલ મેરિયા તેમજ ડો. કૌસ્તુભ મિશ્રા
નિષ્ણાતો તરીકે પોતાની સેવા આપી રહ્યા છે.