વારંવાર રજૂઆતોની અવગણના કરનારી વાયોર પોલીસને ‘ન છૂટકે’ કાર્યવાહી કરવાની ફરજ પડી


ગુજરાતમાં જ્યાં દારૂબંધી એક કાયદો નહીં પણ ભ્રષ્ટાચારને છાવરતી ઢાલ બની રહી હોય તેવું ચિત્ર કચ્છના વાયોર વિસ્તારમાં જોવા મળ્યું છે. છેલ્લા એક વર્ષમાં દારૂના વ્યસન અને વેપલાને કારણે ૨૬ જેટલા પરિવારોમાં માતમ છવાયો, અને એટલી જ નિર્દોષ મહિલાઓ નાની વયે વિધવા બની ગઈ. નાના ભૂલકાઓએ પિતાની છત્ર છાયા ગુમાવી દીધી. આ ભયાનક સામાજિક તબાહીની વારંવાર રજૂઆતો કરવા છતાં, વાયોર પોલીસ સ્ટેશનના જવાબદારોએ દેસી અને અંગ્રેજી દારૂ વેચનારાઓ સામે કોઈ નક્કર કાર્યવાહી કરી નહીં, જાણે કે દારૂ માફિયાઓને પોલીસની ‘મીઠી નજર’નું કાયમી રક્ષણ મળ્યું હોય.
પોલીસની આ નૈતિક અને વહીવટી નિષ્ક્રિયતાથી થાકી હારેલા સ્થાનિકોએ આખરે ન્યાય માટે અસામાન્ય પગલું ભર્યું: તેમણે ગેરકાયદેસર દારૂની હેરફેર કરતી ટોળકી પર ‘જનતા રેડ’ કરી.
પોલીસની અવગણનાથી હૃદયમાં આક્રોશ અને આંખોમાં આંસુ લઈને, સ્થાનિકોએ સ્વયં વ્યવસ્થાપક બનવાનું નક્કી કર્યું. સાંઘી ચોકડીથી સાંઘી જેટ્ટી રોડ પરની ગોલાઈ ચોકડી નજીક, ગ્રામજનોએ દેશી દારૂની હેરફેર કરી રહેલી એક બોલેરો ગાડીને આંતરી લીધી.
સ્થાનિકોએ રેડ દરમિયાન બે ઇસમોને રંગેહાથ પકડી પાડ્યા હતા. જોકે, આ ઘટનામાં સૌથી મહત્ત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે ગ્રામજનોએ આ મામલો સ્થાનિક પોલીસ પર છોડવાને બદલે, ૧૧૨ ઇમરજન્સી નંબર પર કોલ કરીને સમગ્ર બનાવની જાણ કરી. આનાથી વાયોર પોલીસ માટે આ ઘટનાને દબાવી દેવી કે અવગણવી અશક્ય બની ગયું.
જનતાના પ્રચંડ દબાણ અને કાયદેસરની જાણને પગલે, વાયોર પોલીસને ‘ન છૂટકે’ સ્થળ પર પહોંચીને કાર્યવાહી કરવી પડી.
પોલીસ દ્વારા પંચ રોજ કામની કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં બોલેરો ગાડીમાંથી દેશી દારૂની ૭૮૫ થેલીઓ જપ્ત કરવામાં આવી હતી. આ જથ્થો લગભગ ૧૯૬ કિલોગ્રામથી વધુનો હતો, જેની કુલ કિંમત પ્રતિ લીટર થેલી ₹૧૦૦ આંકવામાં આવી હતી.
આ હેરફેર કરનારા બે ઇસમોને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી માટે અટકાયત કરવામાં આવી હતી. આટલો મોટો જથ્થો સ્પષ્ટ દર્શાવે છે કે આ કોઈ છૂટક વેપારી નહીં, પરંતુ એક સંગઠિત ગુનાહિત નેટવર્ક હતું, જેને સ્થાનિક પોલીસનું મૌન સમર્થન હતું. પોલીસે સ્થાનિકે પંચ રોજ કામ કરેલ, જે પંચ રોજ કામ માં સ્થાનિકે ના આગેવાન એવા અલી લાખા કેર અને રાવલ મિસરી જતએ સહીઓ કરેલ.
અગાઉ આપવામાં આવેલ આપનેવેદનપત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે અલ્ટ્રાટ્રેક ટ્રાન્સપોર્ટની આસપાસના અડ્ડાઓ અને ફુલાય-ભોઆની ભઠ્ઠીઓ પર કાર્યવાહી નહીં થાય તો જનતા રેડ કરાશે. જ્યારે ૨૬ પરિવારોની તબાહી છતાં પોલીસ નિષ્ક્રિય રહે છે, ત્યારે વહીવટીતંત્રની પ્રાથમિકતાઓ પર ગંભીર પ્રશ્ન ઊભો થાય છે.
વાયોરના નાગરિકોની ‘જનતા રેડ’ એ ગુજરાતના ગૃહ વિભાગને આપેલો એક જોરદાર સંદેશ છે કે જો કાયદાના રક્ષકો ભ્રષ્ટાચારને પ્રાધાન્ય આપશે, તો જનતા પોતે પોતાના અને પોતાના બાળકોના ભવિષ્યનું રક્ષણ કરવા મેદાનમાં ઉતરશે. હવે જોવાનું એ રહે છે કે સરકાર આ ‘જનતા રેડ’ને કાયદાના અમલની શરમજનક નિષ્ફળતા માનીને વાયોર પોલીસના જવાબદાર અધિકારીઓ સામે ક્યારે સખત પગલાં લે છે.