વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં માર્કેટીંગ યાર્ડ ક્ષેત્રે થયેલ વિકાસ માટે કચ્છ જિલ્લાની ખેત ઉત્પાદન બજાર સમિતિઓ દ્વારા પોસ્ટકાર્ડ લખી આભાર વ્યક્ત કરાયો


ભારત સરકાર દ્વારા કૃષિ અને ડેરી ઉદ્યોગના હિતમાં લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયોથી સહકારી મંડળીના સભાસદો તથા પશુપાલકોમાં આનંદની લાગણી છવાઇ છે ત્યારે કચ્છ જિલ્લાની ખેત ઉત્પાદન બજાર સમિતિઓએ વડાપ્રધાનશ્રીને પોસ્ટકાર્ડ પાઠવીને આભાર વ્યક્ત કર્યો હતો.
સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકારે તાજેતરમાં વિદેશથી કૃષિ અને ડેરી ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે, તેમજ જીએસટીના દરોમાં રાહત આપી છે. આ ઐતિહાસિક નિર્ણયથી સહકારી મંડળીઓ તથા દૂધ ઉદ્યોગને સીધો લાભ મળ્યો છે. ઉપરાંત ‘સહકારથી સમૃદ્ધિ’ સંકલ્પનાને વૈશ્વિક સમર્થન આપતા સંયુક્ત રાષ્ટ્ર (UNO) દ્વારા વર્ષ-૨૦૨૫ને ‘આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ’ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે કચ્છ જિલ્લાની ખેત ઉત્પાદન બજાર સમિતિઓ રાપર, અંજાર, ભુજ, ભચાઉ, માંડવી, મુંદ્રા, નખત્રાણા, અબડાસા દ્વારા કેન્દ્ર સરકારના નિર્ણયથી માર્કેટિંગયાર્ડ ક્ષેત્રે થયેલા વિકાસના અનુસંધાને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટ કાર્ડ લખી આભાર વ્યકત કર્યો હતો.
વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ખેડૂતોને તેની ઉપજનું યોગ્ય મૂલ્ય મળે ઉદ્દેશથી દેશના માર્કેટીંગ યાર્ડોમાં પાયાની સગવડો ઉભી કરાઈ છે. આ ઉપરાંત, માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા હેતુથી સરકારશ્રી તરફથી APMC ના આધુનિકીકરણ માટે અલગ અલગ યોજનાઓ હેઠળ સહાય આપી માર્કેટીંગ યાર્ડોને સુદૃઢ બનાવવામાં આવ્યા છે. APMCના વિકાસ માટે કિસાન કલ્પવૃક્ષ યોજના, માળખાકીય સુવિધા જેવી કે, ખેડૂતો માટેના શેડ, ઓક્શન શેડ, ખેડૂતો માટેની કેન્ટીન, ખેડૂત સહાય કેન્દ્ર, વેચાણ કમ પ્રદર્શન સેન્ટર, અનાજ, કઠોળ તથા મસાલા સાફ કરવાના ક્લિનીંગ વોશીંગ, ગ્રેડીંગ, પેકેજીંગના યુનિટ, રાઇપનીંગ ચેમ્બર, એમ્બ્યૂલન્સ વાન વગેરે જેવી વિવિધ આરોગ્યલક્ષી સવલતો, રેસ્ટ હાઉસ, કોમ્પ્યૂટરાઇઝેશન, એસેઇંગ લેબોરેટરી વગેરે સુવિધાઓ ઉભી કરવા માટે સરકારશ્રી દ્વારા સબસિડી આપવામાં આવે છે. જેના કારણે APMC માં માળખાકીય સુવિધા ઉભી થવાથી ખેતપેદાશો વેચવા માટે આવનાર ખેડૂતોને તેનો સીધો લાભ મળે છે. જે માટે બજાર સમિતિઓના કર્મચારીઓ, વેપારીઓ અને ખેડૂતો દ્વારા દેશના વડાપ્રધાનશ્રીને પોસ્ટ કાર્ડ લખી આભાર માનવામાં આવ્યો હતો.
૦૦૦૦