કૃષિ-ડેરી આયાત પર પ્રતિબંધથી કચ્છના પશુપાલકોમાં આનંદ


ભારત સરકાર દ્વારા કૃષિ અને ડેરી ઉદ્યોગના હિતમાં લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયોથી કચ્છના સરસપુર ગામના પશુપાલકોમાં આનંદ અને ઉત્સાહની લાગણી છવાઈ ગઈ છે.
સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકારે તાજેતરમાં વિદેશથી કૃષિ અને ડેરી ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે, તેમજ જીએસટીના દરોમાં રાહત આપી છે. આ ઐતિહાસિક નિર્ણયથી સહકારી મંડળીઓ તથા દૂધ ઉદ્યોગને સીધો લાભ મળ્યો છે. પરિણામે પશુપાલકો, ખાસ કરીને ગ્રામીણ મહિલાઓ, આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સહકારિતા ક્ષેત્રને મજબૂત બનાવવાના વિઝન અંતર્ગત લેવામાં આવેલા આવા દૃઢ નિર્ણયોનો લાભ દેશભરના સહકારી મંડળીઓને મળી રહ્યો છે. આથી કચ્છના સરસપુર ગામના પશુપાલકોએ વડાપ્રધાનશ્રીને પોસ્ટકાર્ડ દ્વારા અભિનંદન પાઠવીને દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.
સરસપુરના પશુપાલક નિલેશભાઈ ગાગલે જણાવ્યું હતું કે, “દેશબહારથી કૃષિ અને ડેરી ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયથી ગ્રામ્ય સ્તરે પશુપાલકોને મજબૂતી મળશે અને ખાસ કરીને ગામડાંની બહેનો વધુ આત્મનિર્ભર બનશે.” આ નિર્ણયથી સહકારિતાનું માળખું વધુ મજબૂત બની, કૃષિ અને ડેરી ક્ષેત્રને દીર્ધગાળે પ્રોત્સાહન મળશે.