કચ્છમાં ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ પખવાડિયા અંતર્ગત યોજાયેલા મેડીકલ કેમ્પનો મહિલાઓ અને તરુણીઓએ લાભ લીધો


આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતા અને બાળકના આરોગ્યને મજબૂત બનાવવા માટે સ્વસ્થ નારી– સશક્ત પરિવાર પખવાડિયું” અંતર્ગત વિશેષ આરોગ્ય અને રસીકરણ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ કચ્છમાં શહેર તથા ગામોમાં યોજાયેલા મેડીકલ કેમ્પનો મહિલા, તરૂણીઓ તથા બાળકોએ લાભ લીધો હતો. આ સાથે આઈ.ટી.આઈ ભુજ ખાતે ઇન્ટેન્સિવફાઈડ આઈ.ઈ.સી કેમ્પેન અને “સ્વચ્છતા હિ સેવા ૨૦૨૫” અભિયાન અંતર્ગત એચ.આઈ.વી અને એઇડ્સની જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં HIV અને AIDS વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
“સ્વસ્થ નારી – સશક્ત પરિવાર પખવાડિયું”ની ઉજવણી અંતર્ગત કચ્છમાં આયુષ્માન આરોગ્ય મંદિરો (AAMs), પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), શહેરી આયુષ્માન આરોગ્ય મંદિરો (UPHC/UAAM), સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્ય શિબિરો યોજાઇ હતી. ધોળાવીરા, કુકુમા, ઘડુલી,જુના કટારીયા, શિકારપુર, સામખીયારી ખાતે વિવિધ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓના આંખ, બ્લડ પ્રેશર, બ્લડ શુગર અને ડેન્ટલ ચેક-અપ, કેન્સર (મોં, સ્તન, ગર્ભાશય)ની ચકાસણી, રસીકરણ સેવાઓ, ગર્ભવતી મહિલાઓની પૂર્વ પ્રસૂતિ તપાસ, એનિમિયા સ્તર ચકાસણી, ક્ષયરોગ (ટીબી), સિકલ સેલ એનિમિયાની ચકાસણી કરવામાં આવી હતી. મેલેરિયા, ડેન્ગ્યુ, લેપ્રિસી અંગે જરૂરી સ્કીનિંગ અને ટી.ડી. રસીકરણ હાઈપરટેન્શન અને ડાયાબિટિસની તથા દાંત રોગનિષ્ણાત દ્વારા દાંતની તપાસ કરવામાં આવી હતી. RKSK પ્રોગ્રામ અંતર્ગત કિશોરીઓના વજન, ઊંચાઈ, BMI અને HB તપાસ કરવામાં આવી હતી. આ સાથે મહિલાઓને આરોગ્ય કાર્યક્રમો અને વાહક જન્ય રોગો, માસિક સ્વચ્છતા તથા પોષણ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ગઢશીશા ખાતે ધારાસભ્યશ્રી અનિરુદ્ધ દવેની ઉપસ્થિતિમાં યોજાયેલા મેડીકલ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.
આરોગ્યની વિવિધ સેવાઓમાં જેવી કે માતા અને બાળક સંરક્ષણ (MCP) કાર્ડ, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના નોંધણી, આયુષ્માન વય વંદના કાર્ડ, સિકલ સેલ કાર્ડ, પોષણ ટ્રેકરમાં લાભાર્થીઓની નોંધણી સહિતની કામગીરી પણ કરાઇ હતી.