કચ્છમાં જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના સભ્યો અને પશુપાલકોએ મોટી સંખ્યામાં એક સાથે મળીને પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો


ભારત સરકાર દ્વારા કૃષિ અને ડેરી ઉદ્યોગના હિતમાં લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયોથી કચ્છના ગામડાઓમાં પશુપાલકોમાં આનંદ અને ઉત્સાહની લાગણી છવાઈ ગઈ છે. સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકારે તાજેતરમાં વિદેશથી કૃષિ અને ડેરી ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે તેમજ જીએસટીના દરોમાં રાહત આપી છે. આ ઐતિહાસિક નિર્ણયથી સહકારી મંડળીઓ તથા દૂધ ઉદ્યોગને સીધો લાભ મળ્યો છે. પરિણામે પશુપાલકો તથા દૂધ ઉત્પાદક મંડળીઓ આર્થિક રીતે વધુ સક્ષમ બની શકશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સહકારિતા ક્ષેત્રને મજબૂત બનાવવાના વિઝન અંતર્ગત લેવામાં આવેલા આવા દૃઢ નિર્ણયોનો લાભ દેશભરના સહકારી મંડળીઓને મળી રહ્યો છે. આથી કચ્છના અંજાર તાલુકાની સરહદ ડેરી કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના સભ્યો, પશુપાલકો અને સંઘના સભાસદો દ્વારા એક સાથે વડાપ્રધાનશ્રીને પોસ્ટકાર્ડ લખીને અભિનંદન પાઠવ્યા અને દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં અંજાર ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગા, સરહદ ડેરી ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી ઘેલાભાઈ આહિર, અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શોભનાબા જાડેજા, અંજાર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ભુરાભાઈ આહિર, અંજાર નગરપાલિકા ઉપપ્રમુખ શ્રીમતિ શિલ્પાબેન બુદ્ધભટ્ટી, અંજાર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ શ્રી દુદાભાઈ બરારિયા, શ્રી પરમાંભાઈ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ જોડાયા હતાં. આ સાથે કોડકી ગામના ડી.યુ.એસ.એમ કરછ મિલ્ક યુનિયન અને ચંદ્રનગર ખોખરા નીલકંઠ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદોએ પણ સાથે જોડાઈને પોસ્ટકાર્ડ લખી આભારની લાગણી વ્યક્ત કરી હતી.
કચ્છના સરસપુરના પશુપાલક અને દૂધ ઉત્પાદક નરશીભાઈ અને ક્રિષ્નાબેને પોસ્ટકાર્ડ લખી લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “દેશબહારથી કૃષિ અને ડેરી ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયથી ગ્રામ્ય સ્તરે પશુપાલકોને મજબૂતી મળશે અને ખાસ કરીને ગામડાંની બહેનો આત્મનિર્ભર બનશે.” આ નિર્ણયથી સહકારીતાનું માળખું વધુ મજબૂત બનશે જેથી કૃષિ અને ડેરી ક્ષેત્રને દીર્ધગાળે વધુ પ્રોત્સાહન મળશે.