કચ્છમાં કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠક મળી


ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સતત માર્ગદર્શન આપીને રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે આજરોજ કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને કચ્છમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે હેતુથી નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ લેવલ મોનિટરીંગ કમિટી તેમજ પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
કચ્છના આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી પી.કે તલાટી દ્વારા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે કરવામાં આવી રહેલા વિવિધ પ્રયાસો અંગે કલેક્ટરશ્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા. બેઠકમાં નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ(મિશન) અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના કલસ્ટરમાં તાલીમ, વિલીંગનેશ ફાર્મર રજિસ્ટ્રેશન, મિશન મંગલમાં સખી મંડળની નોંધણી પ્રક્રિયા અને કામગીરી, પ્રાકૃતિક કૃષિ અવેરનેશ જનરેશન પ્રોગ્રામ, કલસ્ટર દીઠ એક બ્લોક રીસોર્સ સેન્ટરની સ્થાપના, પ્રાકૃતિક કૃષિની આધુનિક પરિસ્થિતિ, કૃષિ પેદાશોના વેચાણ તથા અમલમાં આવેલી નવીન યોજનાઓની ચર્ચા સાથે કલેક્ટરશ્રી દ્વારા કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ પ્રાકૃતિક કૃષિના લાભ મહત્તમ ખેડૂતો સુધી પહોંચે તથા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે દિશામાં પ્રયાસ કરવા સાથે તાલીમનું સુદ્ઢ આયોજન કરવા અંગે સૂચન કર્યું હતું.
આત્મા દ્વારા કલેક્ટરશ્રીને જિલ્લામાં ચાલી રહેલા પ્રાકૃતિક કૃષિના અભિયાન અંગે જાણકારી આપવામાં આવી હતી. કલસ્ટરબેઝ તાલીમ, વિવિધ ખેડૂતલક્ષી સહાય યોજનાઓના લાભાર્થી, પ્રાકૃતિક કૃષિના પંચસ્તરીય મોડલ ફાર્મના જમીનના એકત્રિકરણ અને પૃથ્થકરણની કામગીરી, દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના, ગૌ આધારિત બાયો ઈનપૂટ યોજના, પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત-ઘનજીવામૃત બનાવવા તથા વિતરણ માટે માળખાકીય સુવિધા માટે સહાય, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહાય વિભાગની વિવિધ કચેરી દ્વારા અમલી કરવામાં આવેલી નવીન યોજનાઓ બાબતે સમીક્ષા કરવામાં આવી હતી.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કે.ઓ.વાઘેલા, નાયબ બાગાયત નિયામકશ્રી મનીષ પરસાણિયા, સર્વે મદદનીશ ખેતી નિયામકશ્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ તથા સંસ્થાના સભ્યો હાજર રહ્યા હતા.