વડોદરા,શીયાબાગ મેઇન રોડ પાસેથી નવાપુરા પોલીસે રીક્ષામાં શરાબની ૨૪ બોટલો લઇને જતા ત્રણ ઇસમોને પકડી પાડ્યા છે. જ્યારે એસોજીએ ગાજરાવાડી વિસ્તારમાંથી શરાબની બોટલો લઇને જતા ઈસમને ઝડપી લીધો છે. બનાવની મળતી વિગતો અનુસાર નવાપુરા પોલીસને પ્રોહિબીશન-ડ્રાઇવ દરમિયાન બાતમી મળી હતી કે રીક્ષામાં શરાબ ભરીને ઇસમો શીયાબાગ વિસ્તારમાંથી પસાર થવાના છે. જેના આધારે પીઆઇ આર.એમ. ચૌહાણની સૂચના મૂજબ પોલીસ જવાન કિરણ સહિતના સ્ટાફે શીયાબાગ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. તે દરમિયાન સાંજના અરસામાં શીયાબાગ મેઇન રોડ જયઅંબે પાન સેન્ટર પાસેથી રીક્ષા ઝડપી હતી. રીક્ષામાંથી શરાબની ૨૪ બોટલો કિંમત રૂ.૫,૦૪૦ ની જપ્ત કરી છે અને ત્રણ ઇસમો સોનુ સંજયભાઇ કાલગુડે, મયૂર સુનિલભાઇ મસાન્ગે અને શીલ અનિલભાઇ ખાડેકરની અટકાયત કરી છે. જયારે અન્ય એક બનાવમાં એસ.ઓ.જી. પોલીસે ગાજરાવાડી તુલસીધામની ચાલીમાં રહેતા જિજ્ઞેશ ઉર્ફે જીગો લક્ષ્મણભાઇ માળીને એવીએટર સ્કૂટર પર શરાબ લઇને જતાં વોર્ડ-૧૧ ની ઓફિસ સામેથી પકડી પાડયો હતો. ઇસમ પાસેથી શરાબની ૧૨ બોટલો જપ્ત કરી લેવામાં આવી છે.