ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચ હાઇ સ્કોરીગ રહી હતી. ત્યારે આ મેચ પર સટ્ટો રમાતો હોવાની બાતમીને આધારે એ ડીવીઝન પોલીસે રહેણાક મકાનમાં રેડ પાડી હતી. જેમાંસુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રાના ચાર ઇસમોને કાર, મોબાઇલ, લેપટોપ સહિત રૂ.8.73 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના વિજયસિંહને શહેરના અંધ વિદ્યાલય નજીક આવેલ જયોતી પાર્કના રહેણાક મકાનમાં ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશની મેચ પર સટ્ટો રમાતો હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે સાંજના અરસામાં દરોડો કરતા ઘરના ઉપરના માળે સટ્ટો રમાડતા મકાન માલીક રાજદીપસિંહ જાલમસિંહ ઝાલા સહિત ચાર ઇસમો પકડાયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં રાજદીપસિંહ પોતાના ઘરે કમીશન મેળવી સટ્ટો રમાડતા હોવાનું ખૂલ્યુ હતુ. પોલીસે આ દરોડામાં રોકડા રૂ.13,760, 26 મોબાઇલ કિંમત રૂ.64 હજાર, બે કાર કિંમત રૂ.7.50 લાખ, રૂ.5 હજારનું ટીવી, રૂ.1 હજારનું સેટઅપ બોકસ, રૂ.20 હજારનું લેપટોપ, રૂ.20 હજારનું ઇલેકટ્રીક કોમ્યુનેટર સહીત રૂ.8,73,860નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.