ગુજરાત સરકારના પ્રોત્સાહનના કારણે મજૂરી કામ કરતી ચુનડી ગામની બહેનો હુનરના બળે બિઝનેસ કરતી થઇ


ગુજરાત સરકાર મહિલાઓ રોજગારી મેળવીને પોતાના આર્થિક રીતે સક્ષમ બને તે હેતુથી તાલીમ, આર્થિક સહાયથી લઇને વેચાણ માટે પ્લેટફોર્મ આપી રહી છે. રાજ્ય સરકારના આ સહકારના કારણે રાજ્યભરમાં અનેક મહિલાઓ પોતાના હુનરના બળે આગળ આવીને બિઝનેસ વુમન બની સફળ વેપાર કરી રહી છે. આવી જ કહાની છે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ચુનડી ગામની મહિલાઓની જેઓ પરંપરાગત હાથ વણાટનો હુનર ધરાવતી હોવા છતાં નાણાં તથા સહકારના અભાવે છૂટક મજૂરી કામ કરીને આવક રળતી હતી. પરંતુ રાજ્ય સરકારે સખી મંડળના માધ્યમથી આ બહેનોને આર્થિક સહાય સાથે વેચાણ માટે પ્લેટફોર્મ આપતા સંગઠિત થયેલી આ બહેનો આત્મવિશ્વાસ સાથે સફળ બિઝનેસ વૂમન બનીને આવક ઉપરાંત પોતાના પરિવારનો પણ મજબૂત આધાર પણ બની છે.
ચુનડી ગામના વણકર મહિલા મિશન મંગલમ સખી મંડળની ૧૦ બહેનો છેલ્લા ૨ વર્ષથી સંગઠિત બનીને સખી મંડળના માધ્યમથી પોતાની અલગ ઓળખ સાથે પોતાના હુનરના બળે અવનવી પ્રોડક્ટ બનાવીને તેનું રાજ્યભરમાં વેચાણ કરી રહી છે. સખી મંડળના પ્રમુખશ્રી સાવિત્રીબેન વણકર જણાવે છે કે, અમારા સમુદાયની બહેનોને હાથ વણાટનું કામ વારસાગત આવડતું હોય છે. પરંતુ આર્થિક સંકડામણના કારણે મહિલાઓ પોતાની કળાને બહાર નથી લાવી શકતી. પરંતુ રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણના નિર્ધાર સાથે મહિલાઓના ઉત્થાન માટે અનેક વિધ યોજનાઓ અમલી કરી છે. જે હેઠળ અમને પણ સખીમંડળ બનાવીને તેનો લાભ પ્રાપ્ત થયો છે. ઝવેરબેન વણકર જણાવે છે કે, અમારા ગામની જે મહિલાઓ પહેલા છૂટક મજૂરી કરતી હતી તે જ મહિલાઓ હવે સખી મંડળના માધ્યમથી એકસાથે મળીને ઘર બેઠા હાથ વણાટનું કામ કરે છે. મહિલાઓ સાડી, ડ્રેસ, દુપટ્ટા, શાલ વગેરે બનાવીને દર માસે ૧૫ હજારથી વધુની કમાણી કરી રહી છે. અમારા સખી મંડળને દોઢ લાખની આર્થિક સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા તેના ઉપયોગથી અમે અમારા બિઝનેસનો વ્યાપ વધાર્યો છે. હાલમાં અમે ઘરે બેઠા મોટા શહેરોના વેપારીઓને માલનું વેચાણ કરીએ છીએ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા શહેરોમાં યોજાતા એક્ઝિબિશનમાં ભાગ લઇને ગ્રાહકોને સીધો માલ વેચીએ છીએ. જેનાથી અમને નફો પણ વધુ મળે છે ઉપરાંત વધુ ગ્રાહકો સાથે સંપર્ક વધતા પછી પણ ઓર્ડર મળતા રહે છે. વેચાણ મેળામાં ભાગ લેવા માટે રાજ્ય સરકાર સંપૂર્ણ નિઃશુલ્ક સ્ટોલ સાથે અન્ય સુવિધા આપતી હોવાથી અમને કોઇ ખર્ચનો ભાર વહન કરવો પડતો નથી. એક સમયે ગામની બહાર નીકળવામાં જે મહિલાઓ ખચકાતી હતી તે મહિલાઓ સખી મંડળના માધ્યમથી આત્મવિશ્વાસ સાથે અનેક શહેરોમાં જાતે જઇને પ્રોડક્ટ વેચતી થઇ છે.
અમારા જેવી ગ્રામીણ મહિલાઓને રોજગાર આપવા માટે ગુજરાત સરકારનો અમે દિલથી આભાર માનીએ છીએ.
જિજ્ઞા વરસાણી