૨૪ વર્ષથી જનસામાન્યમાં સંતોષની લાગણી પ્રસરાવતો ‘SWAGAT’ કાર્યક્રમ બન્યો છે, શાસનનું ઉત્તમ ઉદાહરણ
ગુજરાત સરકાર દ્વારા “ઇઝ ઓફ લિવિંગ”ના લક્ષ્યને સાકાર કરવા અને સામાન્ય નાગરિકોના પ્રશ્નોનું અસરકારક, પારદર્શક અને જવાબદેહીપૂર્વક નિવારણ લાવવા માટે ‘સ્વાગત’ (SWAGAT – State Wide Attention on Grievances by Application of Technology) કાર્યક્રમ એક ક્રાંતિકારી પગલું સાબિત થયો છે.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૪ એપ્રિલ, ૨૦૦૩ના રોજ શરૂ કરેલો આ કાર્યક્રમ આજે પણ સુશાસનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ પ્લેટફોર્મને વધુ સુલભ બનાવવા માટે જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (GAD), ગુજરાત સરકાર દ્વારા ‘SWAGAT Online’ મોબાઇલ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે, જેના થકી લાખો નાગરિકો હવે ઘરે બેઠા આંગળીના ટેરવે તેમની ફરિયાદો અને રજૂઆતો સચોટ રીતે નોંધાવી શકે છે.
‘સ્વાગત ઓનલાઈન’ એપ્લિકેશનના મુખ્ય ફાયદા અને વિશેષતાઓ
‘સ્વાગત ઓનલાઈન’ મોબાઇલ એપ્લિકેશન નાગરિકોને વહીવટી તંત્રના સર્વોચ્ચ વડા એટલે કે મુખ્યમંત્રીશ્રી સુધી તેમની ફરિયાદ સીધી રજૂ કરવાની તક પૂરી પાડે છે. આ એપ્લિકેશન ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષામાં ઉપલબ્ધ છે.
૧. સરળતા અને સુલભતા*
• ગમે ત્યાંથી ફરિયાદ નોંધણી: નાગરિકો પોતાના મોબાઇલ દ્વારા ગમે તે સ્થળેથી નવી ફરિયાદ સરળતાથી નોંધાવી શકે છે, જેનાથી કચેરી સુધી જવાની જરૂરિયાત દૂર થાય છે.
• ડાઉનલોડ પ્રક્રિયા: Android યુઝર્સ Google Play Store પરથી અને iOS યુઝર્સ Apple App Store પરથી “SWAGAT Online” સર્ચ કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે.
૨. પારદર્શિતા અને ટ્રેકિંગ
• અરજીની સ્થિતિ ટ્રેકિંગ: અરજી દાખલ કર્યા પછી નાગરિકોને એક ટ્રેકિંગ નંબર (Application ID) મળે છે, જેના દ્વારા તેઓ પોતાની અરજીની વર્તમાન સ્થિતિ ઓનલાઈન ગમે ત્યારે ટ્રેક કરી શકે છે.
• જવાબદેહી: અધિકારીઓ માટે નિર્ધારિત સમયમર્યાદામાં અરજીનો જવાબ આપવો ફરજિયાત છે, જેનાથી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા અને જવાબદેહી જળવાય છે.
૩. ચાર-સ્તરીય નિવારણ માળખું
ફરિયાદોનું નિવારણ આ ચાર સ્તરે થાય છે, જે એપ્લિકેશન દ્વારા પસંદ કરી શકાય છે:
1. ગ્રામ સ્વાગત: ગ્રામ પંચાયત કક્ષાએ.
2. તાલુકા સ્વાગત: તાલુકા કક્ષાની સમસ્યાઓ માટે.
3. જિલ્લા સ્વાગત: જિલ્લા કલેકટર કચેરી કક્ષાએ.
4. રાજ્ય સ્વાગત: મુખ્યમંત્રીશ્રી દ્વારા વીડિયો કોન્ફરન્સિંગથી સીધું નિવારણ.
૪. ફીડબેક અને સુધારાની તક: ફીડબેક સુવિધા: ફરિયાદના નિવારણ પછી અરજદાર પોતાની સંતોષની માત્રા (૧ થી ૧૦ રેટિંગ) આપીને ફીડબેક આપી શકે છે, જે સરકારી કામગીરીના સતત સુધારામાં મદદરૂપ થાય છે.
‘સ્વાગત ઓનલાઈન’ દ્વારા ફરિયાદ નોંધાવવાની સરળ પ્રક્રિયા
નાગરિકો નીચેના સરળ સ્ટેપ્સ દ્વારા તેમની ફરિયાદ નોંધાવી શકે છે:
1. નોંધણી અને લોગિન: એપ્લિકેશન પર અરજદાર તરીકે મોબાઈલ નંબર ઉમેરી નોંધણી (Registration) કરાવીને લોગ-ઇન કરવું.
2. અરજી દાખલ કરો: લોગ-ઇન કર્યા પછી, “ફરિયાદ દાખલ કરો” વિકલ્પ પસંદ કરવો.
3. વિગતો અને સ્તર પસંદગી: ફરિયાદનું સ્તર (તાલુકા/જિલ્લા/રાજ્ય) અને સંબંધિત વિભાગ પસંદ કરવો. સમસ્યાનું નિવેદન ટૂંકમાં, સ્પષ્ટ અને સુવાચ્ય સ્વરૂપમાં ભરવું.
4. ડોક્યુમેન્ટ અપલોડ: ફરિયાદને સમર્થન આપતા જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરવી.
5. સબમિટ અને ટ્રેકિંગ: અરજી સબમિટ કરીને ટ્રેકિંગ નંબર મેળવવો અને સ્ટેટસ ટ્રૅક કરવું.
આમ, ગુજરાત સરકારની ‘સ્વાગત ઓનલાઈન’ એપ્લિકેશન એ ટેક્નોલોજીના માધ્યમથી નાગરિકોના પ્રશ્નોના સચોટ નિરાકરણ માટેનું એક મજબૂત અને વિશ્વસનીય પ્લેટફોર્મ છે. આનાથી સરકારી તંત્ર અને સામાન્ય જનતા વચ્ચેનું અંતર દૂર થયું છે, જે ગુજરાતમાં સુશાસનના લક્ષ્યને વધુ મજબૂત બનાવે છે.
સમસ્યા હોય ત્યાં સમાધાન અને તેનો ઉકેલ હોય જ છે – આ ભાવના સાથે શરૂ કરાયેલા ‘સ્વાગત’ કાર્યક્રમની ફળશ્રુતિરૂપે ગુજરાતના સામાન્ય નાગરિકોમાં આત્મસંતોષની લાગણી પ્રસરી રહી છે.
૦૦૦૦૦