‘રાષ્ટ્ર પ્રથમ’ને જીવનમંત્ર બનાવવા પ્રતિજ્ઞાબદ્ધ થતા કચ્છના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. આ ૨૪ વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છેજેની વિકાસગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં આજે તા.૭ થી આગામી તા.૧૫ ઓક્ટોબર૨૦૨૫ દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવાઈ રહ્યો છે.

વિકાસ સપ્તાહ ૨૦૨૫ની ઉજવણીના પ્રથમ દિવસે આજરોજ કચ્છ જિલ્લા સેવા સદન ખાતે પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓએ ભારત વિકાસની પ્રતિજ્ઞા લીધી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓએ રાષ્ટ્ર પ્રથમ મંત્રને જીવનમંત્ર બનાવવા પ્રતિજ્ઞા લીધી હતી.

        ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે આજરોજ વિકાસ સપ્તાહની ઉજવણીના પ્રથમ દિવસે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં અનેક કલ્યાણકારી યોજનાઓની અમલવારી થઈ સુચારુંરૂપે થઈ રહી છે. વિકાસની યાત્રા જનજન સુધી પહોંચી છે ત્યારે કોઈપણ નાગરિક યોજનાકીય લાભથી વંચિત ન રહી જાય તે દિશામાં કામગીરી કરવા ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું. નાગરિકોને ઝડપથી જાહેર સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી કામોને નિયત મર્યાદામાં પૂર્ણ કરવા ધારાસભ્યશ્રીએ સૂચન કર્યું હતું. નાગરિકો વિકાસ સપ્તાહ દરમિયાન પાત્રતા અનુસાર યોજનાઓનો લાભ લઈને આર્થિક રીતે સદ્ધર બને તેમ ધારાસભ્યશ્રીએ અપીલ કરી હતી.

        કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલે વિકાસ સપ્તાહની ઉજવણી અન્વયે વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે અધિકારીશ્રીઓને માર્ગદર્શન પુરું પાડ્યું હતું. શ્રી આનંદ પટેલે જણાવ્યું હતું કે, ગરીબ કલ્યાણ મેળાઓ, ખેલ મહાકુંભ, વાઈબ્રન્ટ ગુજરાત, સ્વાગત કાર્યક્રમ વગેરેથી લોકોના જીવનમાં એક મહત્વપૂર્ણ બદલાવ આવ્યો છે અને આ પ્રકલ્પો સમગ્ર દેશમાં મોડેલરૂપ બન્યા છે. વિકાસની યાત્રામાં ગુજરાત દેશમાં ઉદાહરણરૂપ બન્યું છે તેમ તેઓએ ઉમેર્યું હતું.

        આ શપથ ગ્રહણ દરમિયાન જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

*******