વિકાસ સપ્તાહની ઉજવણીના આયોજનની સમીક્ષા કરતાં જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ

રાજ્ય સરકાર દ્વારા સુશાસનના ઉત્સવરૂપે તા.૭ થી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી થઇ રહી છે. કચ્છ જિલ્લામાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોના સુચારૂ રીતે કરવામાં આવેલ છે. આ આયોજનની સમીક્ષા અંગે જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. બેઠકમાં કલેક્ટરશ્રી આનંદ પટેલે બેઠકમાં પ્રત્યક્ષ તેમજ ઓનલાઇનના માધ્યમથી ઉપસ્થિત રહેલ અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગોએ સ્થાનિક પદાધિકારીશ્રો સાથે સંકલન સાધીને જિલ્લાકક્ષાએ, મહાનગરપાલિકા, તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ, ગ્રામપંચાયત કક્ષાએ સુચારૂ કાર્યક્રમો કરવા વિવિધ સૂચનો કર્યા હતાં.

તા. ૭ ઓક્ટોબર થી ૧૫ ઓક્ટોબર દરમિયાન “વિકાસ સપ્તાહ” ના વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવનાર છે અને નિર્ધારિત ગામે ગામ વિકાસ રથ ફરશે તેમાં વિવિધ વિભાગીય યોજનાકીય સમજ અપાશે.

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કચ્છમાં છેલ્લા દિવસે પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવશે. આ સાથે વિવિધ વિભાગો દ્વારા યોજનાકીય લાભોનું વિતરણ, યુવા સશક્તિકરણ દિવસ, પોષણ દિવસ, ઉદ્યોગ સાહસિકતા દિવસ, કૃષિ વિકાસ દિવસ, રવિ કૃષિ મહોત્સવ, રોજગાર મેળો, જનસુવિધાલક્ષી પ્રકલ્પોના ખાતમુહુર્ત/ લોકાર્પણ, રાત્રિસભા વગેરે કાર્યક્રમો યોજવામાં આવશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

–       જિજ્ઞા પાણખાણીયા