વિકાસ સપ્તાહ : સરકારની અનેકવિધ યોજનાના લાભાર્થી બની રાજ્યની વણથંભી વિકાસયાત્રામાં વિકાસ સાધતા મધ્યમવર્ગીય નાગરિકો


વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૪ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરૂ કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઓકટોબર-૨૦૨૫ની તા.૦૭થી ૧૫ દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે કચ્છમાં પણ ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. વિકાસ સપ્તાહમાં સરકારની અનેકવિધ યોજનાના લાભાર્થી બનીને મધ્યમવર્ગીય નાગરિકો રાજ્યની વણથંભી વિકાસયાત્રામાં વિકાસ સાધી રહ્યા છે. જેમાં આરોગ્યની આયુષ્માન કાર્ડની યોજના અંતર્ગત અનેક લાભાર્થીઓએ લાભ લઈ સ્વસ્થ બન્યા છે, આવા જ ભુજ તાલુકાના રાયધણપર ગામના અનિલભાઈ કાનજીભાઈ સુથાર આ યોજના થકી બિમારીમાંથી મુક્ત બન્યા છે.
વડાપ્રધાનશ્રીએ ખાસ કરીને કચ્છના પુન:નિર્માણના વિરાટ પડકારથી લઇને હાલ કચ્છને વિકાસપથ પર દોડતું કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ વિકાસની વણઝારમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર લોકોના આરોગ્યને લઇને હંમેશા ચિંતિત રહી છે. ત્યારે આયુષ્યમાન કાર્ડ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દેશના લોકોને સૌથી મોટી ભેટ છે. રાજ્ય સરકાર મદદે આવી ગરીબ – મધ્યમવર્ગના લોકોની આરોગ્ય ખર્ચને લઇને જિંદગીની સૌથી મોટી ચિંતા આયુષ્યમાન કાર્ડે થકી દૂર કરી દીધી છે. સામાન્યથી ગંભીર બીમારીમાં લાખોના ખર્ચ સામે લાભાર્થીઓને એક રૂપિયાનો ખર્ચ પણ કરવો પડતો નથી. આ યોજનાથકી અનેક લાભાર્થીઓના જીવનમાં ફરી ખુશીની લહેર ફેલાઇ છે. રાયધણપર ગામના ૩૯ વર્ષના અનિલભાઈ લાભાર્થી જેને મોઢામાં થયેલી ગાંઠની સફળ શસ્ત્રક્રીયા આયુષ્યમાન કાર્ડ મારફતે કરવામાં આવી હતી.
સુથારી કામ કરીને માસિક સામાન્ય આવક મેળવી પરિવારનું પાલન પોષણ કરતા અનિલભાઈ વિદેશમાં ડ્રાઈવરની નોકરી કરતાં હતાં. ત્યાં તેમને મોઢામાં સામાન્ય ચાદું પડેલું હતું સમય રહેતા ત્યા ગાંઠ થવા લાગી તેથી તેઓ વતન પાછા આવ્યા હતાં. અનિલભાઈને અચાનક મોઢામાં ચાંદા પડવા સાથે સોજો આવી જતા પરિવાર પણ ચિંતામાં મુકાઇ ગયો હતો. તેથી તેઓને ભુજની ખાનગી હોસ્પિટલમાં તપાસ માટે લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં રીર્પોટ કરાવતા ડોક્ટરે તત્કાલ ઓપરેશન કરાવવું પડશે, જેમાં રૂા. ૧ લાખ જેટલો અંદાજિત ખર્ચ થશે તેવું જણાવ્યું હતું. સામાન્ય આવકમાંથી ઘરખર્ચ માંડ કાઢી શકતા અનિલભાઈ પાસે નાણા ન હોવાથી તેઓ ચિંતામાં મુકાય ગયા હતાં. દિવસે દિવસે પરિસ્થિતિ વધુ ખરાબ થતી હતી તે સમયે કે.કે. હોસ્પિટલમાંથી તપાસ દરમિયાન ખ્યાલ પડ્યો કે એક પણ રૂપિયાના ખર્ચ વગર આયુષ્યમાન કાર્ડ મારફતે નિ:શુલ્ક ઓપરેશન થઇ જશે. જેનો ખ્યાલ પડતાં જ વૃદ્ધ માતાના જીવને હાશકારો થયો. પીડાથી કણસતા રહેતા પતિને હવે જલ્દી આ પીડામાંથી છૂટકારો મળશે તે વાત સાંભળીને તેમની પત્નિ નિકીતાબેનના જીવમાં પણ જીવ આવ્યો હતો.
અનિલભાઈ એ જણાવ્યું હતું કે, રાયધણપર આરોગ્ય કેન્દ્રમાંથી તેમને તત્કાલ આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવ્યું હતું. ઓગસ્ટ માસમાં કે.કે. હોસ્પિટલમાં ડોક્ટર સ્ટાફ દ્વારા આ કાર્ડ અંતર્ગત સંપૂર્ણ નિ:શુલ્ક રીતે તેમનું સફળ ઓપરેશન કરાવામાં આવ્યું હતું. આજે તેઓ સ્વસ્થ છે હાલ તેઓ ઓપરેશન બાદની દૈનિક થેરાપી લઈ રહ્યા છે. કેટલાય મહિનાની ભયંકર પીડા ભોગવ્યા બાદ આ યોજનાથકી તેમને રાહત મળી છે. તેઓએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી તથા મુખ્યમંત્રીશ્રીની આ યોજનાના કારણે મારા જેવા ગરીબને મદદ મળતા હું આ બીમારીમાંથી મુક્ત થઇ શક્યો. એક પણ પૈસાના ખર્ચ વગર ફરી હું સામાન્ય જીવન વ્યતિત કરી રહ્યો છું. અમારા જેવા અનેક ગરીબોનો બેલી આયુષ્યમાન કાર્ડ બન્યું છે, જે બદલ સરકારશ્રીનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.
– જિજ્ઞા પાણખાણીયા