સરકારી શાળાઓમાં ઉત્તમ સંશાધનો સાથે શ્રેષ્ઠ શિક્ષકોના કારણે કચ્છ જિલ્લામાં ખાનગી શાળાઓ છોડી સરકારી શાળામાં પ્રવેશનો ટ્રેન્ડ વધ્યો


ગુજરાતમાં બાળકોના શિક્ષણ અને તેના શારિરીક અને માનસિક વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ માટે અનેક યોજનાઓ સાથે શાળાઓમાં માળખાકીય સુવિધા તથા શ્રેષ્ઠ શિક્ષકો થકી બાળકોને શિક્ષણ મળે તે માટેના સતત પ્રયાસો જારી છે. હાલ રાજ્યભરની સરકારી શાળાઓ ખૂબ જ સુંદર રીતે સંચાલિન થઇ રહ્યું છે. ઉપરાંત અહીં શિક્ષણ મેળવતા બાળકો દરેક ક્ષેત્રે મેદાન મારીને ઉજ્જવળ કારકિર્દીના શિખરો સર કરી રહ્યા છે. ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે આવેલી આ આમૂલ ક્રાંતિના બીજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ૨૦૦૧ના શાસનકાળથી રોપાયા હતા અને હજુપણ આ વિકાસયાત્રા સતત ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા અઢી દાયકામાં શિક્ષણજગતમાં કરાયેલા અનેક સુધારાના કારણે ખાનગી શાળા છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવવાનો ટ્રેન્ડ વધ્યો છે. દર વર્ષે ખાનગી શાળાને ત્યજીને હસતા મોઢે સરકારી શાળામાં આવતા બાળકોની સંખ્યા વધતી જઇ રહી છે. કચ્છ જેવા સરહદી જિલ્લામાં આ પ્રકારનું પરિવર્તન ગુજરાત સરકાર દ્વારા કચ્છના શિક્ષણજગતમાં કરાયેલા વિકાસનું પ્રતિબિંબ બન્યું છે.
કચ્છ અંતરિયાળ અને સરહદી જિલ્લો હોવાથી રાજ્ય સરકાર સામે અનેક પડકાર છે. આમ છતાં આ પડકારોને ઝીલીને અહીંનું બાળક ઉત્તમ માળખાકીય સુવિધા સાથે શિક્ષણ મેળવે તે નેમ સાથે કામગીરી કરવામાં આવી રહી છે. જેના અનેક ઉજળા પરીણામો કચ્છના શિક્ષણ જગતમાં જોઇ શકાય છે. કચ્છના બાળકોની સતત ચિંતા કરતી રાજ્ય સરકારે તાજતેરમાં કચ્છમાં શિક્ષકોની ઘટ પૂરવા ક્રાંતિકારી નિર્ણય લીધો છે. કચ્છના સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની શૈક્ષણિક સિધ્ધિઓ પણ ઉડીને આંખે વળગે તેવી છે. આ સુધારો ગુજરાત સરકારની પરીણામલક્ષી વિકાસ યાત્રાનું પરીણામ છે. કચ્છના શિક્ષણ જગતમાં સૌથી પરીણામલક્ષી મહત્વનો વળાંક એ આવ્યો છે કે, ખાનગી શાળામાં ભણવાના મોહ વચ્ચે જિલ્લાના વાલીઓ તેમાં પણ ખાસ કરીને શહેરોમાં જ્યાં અનેક ખાનગી શાળાઓની સ્પર્ધા છે તે વિસ્તારોની સરકારી શાળાઓમાં ખાનગી શાળાના બાળકો હોંશે હોંશે પ્રવેશ મેળવી રહ્યા છે.
જો શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ થી ૨૦૨૪-૨૫ સુધીમાં કુલ ૫૯૭૮ બાળકોએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. બાલવાટિકામાં ૯૧, ધો.૧માં ૨૬૪, ધો.૨માં ૭૪, ધો.૩માં ૩૦૧, ધો.૪માં ૩૪૩, ધો.૫માં ૩૨૨, ધો.૬માં ૫૪૭, ધો.૭માં ૩૧૫, ધો.૮માં ૨૩૫, ધો.૯માં સૌથી વધુ ૨૧૬૮ બાળકો ખાનગી શાળાને તિલાંજલી આપી સરકારી શિક્ષણ પસંદ કર્યું હતું. જ્યારે ધો.૧૦માં ૩૭૮, ધો.૧૧માં ૭૧૩ તથા ધો.૧૨માં ૧૧૦ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હતો.
જે પૈકી શહેરી વિસ્તાર ધરાવતા ભુજ અને ગાંધીધામ તાલુકાની શાળાઓ મોખરે છે, જ્યાં ખાનગી શાળામાંથી સરકારી શાળામાં વિદ્યાર્થીઓએ પ્રવેશ કર્યો હોય. ભુજ તાલુકામાં ૧૭૩૯ તથા ગાંધીધામ તાલુકામાં ૧૦૮૨ વિદ્યાર્થીઓએ સરકારી શાળાને પસંદ કરી છે.
તાલુકાવાર જોઈએ તો, અત્યાર સુધીમાં અબડાસામાં ૧૬૪, અંજારમાં ૭૩૩, ભચાઉમાં ૪૮૬, ભુજમાં ૧૭૩૯, ગાંધીધામમાં ૧૦૮૨, લખપતમાં ૯૬, માંડવીમાં ૫૬૯, મુંદરામાં ૩૬૮, નખત્રાણામાં ૨૧૭, રાપરમાં ૫૨૪ વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશીને શિક્ષણ મેળવી રહ્યા છે. આમ, ૫૯૭૮ બાળકોના વાલીઓએ પોતાના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવીને રાજ્યની સરકારી શાળાઓ પ્રત્યે પોતાની વિશ્વસનીયતા દર્શાવી છે.
ભુજની પાટવાડી નાકા પાસે આવેલી પંચાયતી સરકારી શાળા નં.૧ કે જેમાં ભુજ શહેરમાં સૌથી વધુ છાત્રો ખાનગી શાળા છોડીને અહીં પ્રવેશ મેળવ્યો છે. અહીં પોતાના ભત્રીજાને ધો.૪થી પ્રવેશ અપાવનાર વાલી માસુમભાઇ સુમરા જણાવે છે કે, ખાનગી શાળાઓની સાપેક્ષે સરકારી શાળાઓમાં ઉચ્ચશિક્ષણ મેળવનાર અનુભવી તથા તાલીમ પામેલા શિક્ષકો છે, ઉપરાંત શિક્ષણની ગુણવત્તામાં તથા માળખાકીય સવલતોમાં સુધારો, આધુનિક ટેકનોલોજી સાથે બાળકોને કરાવાતો અભ્યાસ, ખાસ કરીને નિ: શુલ્ક શિક્ષણ જેવી બાબતો વાલીઓને સરકારી શાળાઓ તરફ આકર્ષી રહી છે.
ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ લેનાર પાટવાડી પંચાયતી શાળા નં.૧ની વિદ્યાર્થીની રીદા લંગા જણાવે છે કે, ધો.૪ સુધી તેણીએ ખાનગી શાળામાં અભ્યાસ કર્યો છે, ઉંચી ફી ભરવા છતાં ત્યાં શિક્ષકો અને શિક્ષણની ગુણવત્તા યોગ્ય ન હતી. સરકારી પાટવાડી પ્રાથમિક શાળાના ગુણવત્તાયુક્ત શિક્ષણની પ્રશંસા સાંભળીને અહીં પ્રવેશ મેળવ્યો. રીદા વધુમાં ઉમેરે છે કે, આજે ધો.૮માં અભ્યાસ કરી રહી છું ત્યારે આટલા વર્ષોના અનુભવે કહું છું કે, ખાનગી શાળાની સાપેક્ષે મારી સરકારી શાળામાં ઉત્તમ શિક્ષકો અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહ્યું છે. કોમ્પ્યુટર લેબ, વિજ્ઞાન લેબ, લાઇબ્રેરી, રમવા માટે મેદાન, પર્યાવરણના સંરક્ષણની પ્રેરણા આપતો બગીચો, સ્માર્ટ ક્લાસની સુવિધા ઉપરાંત આજના સમય મુજબ કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ થકી આજે અમારી શાળાના બાળકો જિલ્લા તથા રાજ્યકક્ષાએ નંબર લઇ આવે છે. અહીંના શિક્ષકો અમારા પ્રત્યે સમર્પિત છે.
બીજી તરફ શાળાના આચાર્યશ્રી રાજેશભાઇ ગોરે વાલીઓમાં સરકારી શાળાની લોકપ્રિયતામાં અંગે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકારી શાળાઓની સુવિધાસભર ઇમારતો, ડિજિટલ ક્લાસરૂમ, લાઇબ્રેરી, પ્રાયોગિક લેબ, રમતગમતની સુવિધાઓ અને બાળકોને હૂંફ મળે તેવું વાતાવરણ મળતા બાળકો ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે. સાથે સાથે તણાવમુક્ત વાતાવરણ મળતા બાળકો ઉત્સાહભેર દફતર લઈને શાળા આવતા થયા છે. ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ જો સરકારી શાળામાં પ્રાપ્ત થતાં શિક્ષિત વાલીઓ સરકારી શાળાને પ્રાધાન્ય આપી રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાનિર્દેશ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં શિક્ષણનું સાર્વત્રિકરણ તથા આધુનિકરણ થતા ગુજરાતની સરકારી શાળાઓ હવે તમામ વર્ગો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.
જિજ્ઞા વરસાણી