સ્વસ્થ કચ્છના ધ્યેય અને માતા-બાળ આરોગ્ય, રસીકરણ અને આયુષ્માન ભારત સહિતની યોજનાઓના સુદ્રઢ અમલીકરણ સાથે કાર્યરત જિલ્લા આરોગ્ય વિભાગ

ભારતના લોકપ્રિય વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૪ વર્ષ પહેલાં ૭ ઓક્ટોબર ૨૦૦૧ ના રોજ પ્રથમ વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, ત્યારથી ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી હતી, જેના ૨૪ વર્ષ પૂર્ણ થતા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા ૨૪ વર્ષો દરમિયાન ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે અનેક સુધારાઓના સાક્ષી આપણે બન્યા છીએ, ત્યારે આજે વાત કરીએ  “સ્વસ્થ કચ્છ, સમૃદ્ધ કચ્છ” ના ધ્યેય સાથે કાર્યરત જિલ્લા આરોગ્ય વિભાગની…

કચ્છ જિલ્લામાં આરોગ્ય સુવિધાઓને મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી વિવિધ સેવાઓ અને યોજનાઓની ઝાંખી કરીએ તો, કચ્છ જિલ્લામાં ૧૫ સામુહિક આરોગ્ય કેન્દ્રો, ૭૯ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૧૬ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો , ૪૪૭ આયુષમાન આરોગ્ય મંદિર કાર્યરત છે. કચ્છ જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ એ.એન.સી. રજિસ્ટ્રેશન ૫૪૯૩૮ જયારે ડિલીવરી રજિસ્ટ્રેશન ૪૫૯૦૬ થયા હતા. જેમાંથી સંસ્થાકીય પ્રસુતિ ૪૫૯૦૬ થઈ છે.

આરોગ્ય કેન્દ્રો ખાતે માતા અને બાળ આરોગ્ય સંભાળની સેવાઓ, હાઈપર ટેન્શન, ડાયાબીટીસ, કેન્સર, આંખ, કાન, ગળા, માનસિક આરોગ્ય, ડેન્ટલ સહિતની ૧૨ આરોગ્ય સેવાઓ, પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા પ્રાથમિક કક્ષાની સારવાર અને સંદર્ભ સેવાઓ, ૧૫૫ જાતની દવાઓનું નજીકના હેલ્થ અને વેલનેસ કેન્દ્ર (પેટા આરોગ્ય કેન્દ્ર) દ્વારા વિનામૂલ્યે વિતરણ, પ્રા.આ.કેન્દ્ર ખાતે ૬૪ લેબોરેટરી તપાસ અને આયુષમાન આરોગ્ય મંદિર ખાતે વિનામૂલ્યે ૧૪ પ્રકારની લેબોરેટરી તપાસ, યોગા, પ્રાણાયામ, ધ્યાન, તંદુરસ્ત ખોરાક, તંદુરસ્ત જીવન શૈલીની જાણકારી, તરુણ-તરુણીઓ, વૃદ્ધ લોકો અને બિન સંચારી રોગોની તપાસ અને સારવાર, ૩૦ વર્ષથી ઉપરની તમામ વ્યક્તિઓની હાઈપર ટેન્શન, ડાયાબીટીસ, મુખ કેન્સર, સ્તન કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સરની તપાસ સહિતની સેવાઓ આપવામાં આવે છે.

કચ્છ જિલ્લામાં વર્ષ ૨૦૨૪ – ૨૫માં રસીકરણમાં ટી.ડી. મધર ૪૭૮૧૪ સ્ત્રીઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. બી.સી.જી. ૫૦૬૬૨, પોલીયો – ૩૧૭૬૫૦, ઓરી- ૫૨૪૩૯ અને ૫૦૯૨૬ બાળકોનું સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું હતું.

જનની સુરક્ષા યોજના હેઠળ “ ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન ” અંતગર્ત ગરીબ સગર્ભા બહેનોને સંસ્થાકીય પ્રસુતિના પ્રોત્સાહન દ્વારા માતા મરણ અને નવજાત શિશુ મરણને ઘટાડવાના હેતુસર સલામત માતૃત્વ પૂરું પાડવામાં આવે છે.આ યોજના અંતગર્ત કચ્છ જિલ્લામાં ૩૧૪૪ લાભાથીંઓને લાભ આપવામાં આવ્યો છે. કુટુંબ કલ્યાણ કાર્યકમ અન્વયે વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ૫૩૯૦ નસબંધીના ઓપરેશનની તથા ૯૪૩૯ સ્ત્રીઓને આંકડી મૂકવાની કામગીરી કરવામાં આવી છે.

આયુષ્માનભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના રાજ્યના તમામ જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના (નગરપાલિકા વિસ્તાર, મહાનગરપાલિકા વિસ્તાર અને નોટીફાઈડ એરીયા) ગ્રામ્ય વિકાસ વિભાગ અને શહેરી વિકાસ વિભાગ ગરીબી રેખા હેઠળ જીવતા કુંટુંબના ને લાગુ પાડવામાં આવી છે. તેમજ હાલમાં યોજના અંતર્ગત “વાર્ષિક રૂા.૪.૦૦ લાખ”થી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવારોના તમામ સભ્યોને લાભ આપવામાં આવે છે. તેમજ વયસ્ક નાગરિકો માટે આયુષ્માન વય વંદના (VVS) કાર્ડથી લાભ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે સૌપ્રથમ ‘આયુષ્માન ભારત’ કાર્ડ કઢાવવું જરૂરી છે. AB-PMJAY યોજના અંતર્ગત કુલ ૭૮૪૦૨૯ આયુષ્માન કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા છે.

સરકારશ્રીની નીતિઓ, આરોગ્ય કર્મચારીઓનો સમર્પિત પ્રયાસ અને નાગરિકોનો સહયોગ. આ ત્રણેના સંયોજનથી કચ્છ જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે નવા પરિમાણો ઉમેરાયા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ ગુજરાતે આરોગ્ય વિકાસ, ટેકનોલોજી અને સુશાસનના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ હાંસલ કરી છે. જેની પ્રતીતિ તમામ નાગરિકોને થઈ રહી છે.