ધોરડો રણ ઉત્સવ વિસ્તાર ખાતે રજિસ્ટ્રેશન વિનાની  ઘોડે સવારી/ઊંટ સવારી ફેરી સર્વિસ ઉપર પ્રતિબંધ

     કચ્છમાં ભૌગોલિક વૈવિધ્યનો ઉત્તમ ખજાનો જોવા મળે છે. જેના લીધે આ જિલ્લો પ્રવાસનની દ્રષ્ટીએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. રાજ્ય સરકારશ્રીના સહયોગથી ગુજરાત પ્રવાસન નિગમ લી. દ્વારા દર વર્ષે ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે જેનો લાભ લેવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે ૫ણ ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવેલું છે.

રણ ઉત્સવ દેશ-વિદેશથી આવતા સહેલાણીઓને અહીં કચ્છની ભાતીગળ સંસ્કૃતિનોહેન્ડક્રાફટ્સનોસફેદ રણના સૌંદર્યનો અવિસ્મરણીય અનુભવ થાય છે. રણ ઉત્સવમાં આવતા પ્રવાસીઓ રણ વિસ્તારમાં ચાલતી ઘોડે સવારી/ઊંટ સવારીનો ૫ણ આનંદ માણતા હોય છે. સ્થાનિક ઘોડે સવારી/ઊંટ સવારી માલીકો/ચાલકો દ્વારા પ્રવાસીઓને ફેરી સર્વિસ પૂરી પાડવામાં આવે છે જેને ધ્યાને લેતા રણ ઉત્સવમાં સહેલાણીઓના અનુભવને વધુ સુખદ બનાવવાસલામત પ્રવાસનને વેગ આપવા તથા ઘોડે સવારી/ઊંટ સવારી ફેરી સર્વિસની અમલવારી સારી રીતે થઈ શકે તે માટે ઘોડે સવારી/ઊંટ સવારીનું રજિસ્ટ્રેશન કરાવી તેનું નિયમન કરવું જરૂરી જણાય છે.

         કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની હદમાં આવેલ ભુજ તાલુકાના ધોરડો રણ ઉત્સવ વિસ્તાર ખાતે નિયત સમિતિ પાસે રજિસ્ટ્રેશન કરાવ્યા સિવાય અનઅધિકૃત રીતે ચાલતી ઘોડે સવારી/ઊંટ સવારી ઉપર પ્રતિબંધ મુક્યો છે.

        આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે. આ હુકમનો અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું તા.૧૯/૧૦/૨૦૨૫ થી તા.૧૭/૧૨/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

અંજના ભટ્ટી                                                                        ૦૦૦૦