કચ્છ જિલ્લામાં મમતા દિવસ તથા IYCF વિષયક વિવિધ જાગૃતિ કાર્યક્રમ યોજાયા

મહિલા અને બાળ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ તથા માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે કચ્છના તાલુકાઓમાં આવેલા ૨૧૧૬ આંગણવાડી કેન્દ્રો ખાતે મમતા દિવસની ઉજવણી સાથે IYCF (Infant and Young Child Feeding) વિષયક વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગર્ભવતી અને ધાત્રી માતાઓ માટે મુખ્યસેવીકા, આંગણવાડી બહેનો તથા આરોગ્ય વિભાગના નિષ્ણાતો દ્વારા યોગ્ય સ્તનપાન, પૂરક આહાર, કાગારુ મધર કેર(KMC) તથા બાળકના પ્રથમ બે વર્ષ દરમિયાન આપવાના પોષણ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે કુપોષણ નિવારણ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે સંતુલિત આહારના મહત્વ વિશે માતાઓને સમજ અપાઈ હતી. જે સાથે IYCF વિષયક પોસ્ટર, પેમ્ફલેટ અને પ્રદર્શન દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કેન્દ્રોમાં પોષણક્ષમ આહારની વાનગીઓની હરીફાઈ યોજાઈ હતી. જેમાં માતાઓએ વિવિધ પૌષ્ટિક વાનગીઓ રજૂ કરી હતી. વિજેતા બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. જનસમૂહ સુધી પોષણ સંદેશ પહોંચે તે હેતૂથી આંગણવાડી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં યોજાયેલી પ્રવૃત્તિઓના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર મુકવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં આઈસીડીએસ વિભાગ સાથે આરોગ્ય વિભાગ, માહિતી વિભાગ તથા સ્થાનિક લાભાર્થીઓ હાજર રહ્યા હતાં.