રાસાયણિક ખેતીથી થતાં પાક અને જમીનના નુકસાન સામે પ્રાકૃતિક ખેતી ફાયદારૂપ

પ્રાકૃતિક કૃષિના વ્યાપને વધારવા માટે રાજ્ય સરકારશ્રી દ્વારા પ્રાકૃતિક કૃષિ જન અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. છેવાડાના ગામના પ્રત્યેક ખેડૂત પ્રાકૃતિક ખેતીથી થતાં ફાયદાઓથી અવગત થઈ શકે તેના માટે સરકાર પ્રયત્નો કરી રહી છે. મોટાભાગના ખેડૂતો હવે રાસાયણિક ખેતીથી થતા નુકસાનથી જાગૃત થઈ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે. હાલ કચ્છ જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. ત્યારે માંડવી તાલુકાના રતડિયા મોટા ગામના ખેડૂત રવજીભાઈ અરજણભાઈ પટેલ પોતાની કુલ જમીનમાંથી ૫ એકર જમીન પર પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વિવિધ પાકોનું વાવેતર કરી ગુણવત્તાયુક્ત ઉત્પાદન સાથે બમણી આવક મેળવી રહ્યા છે.

ખેડૂત રવજીભાઈ પટેલ જણાવે છે કે, તેઓ પરંપરાગત રીતે કપાસ, મગફળી, ઘઉં તથા કઠોળ જેવા પાકોનું વાવેતર કરતાં હતાં, ત્યારે તેમાં રાસાયણિક ખાતર અને દવાઓનો વધુ માત્રામાં ઉપયોગ કરતા હતાં. રાસાયણિક ખેતી પદ્ધતિથી મને ઘણું નુકસાન ભોગવવું પડ્યું છે. જેમાં દવાઓ અને ખાતરનો ખર્ચો તથા મજૂરી ખર્ચ પણ વધુ થાય છે. જમીનનું બંધારણ બગડે છે, જમીનમાં ક્ષારનું પ્રમાણ વધે છે જેથી પાકની ગુણવત્તામાં ઘટાડો થાય છે. રાસાયણિક ખેતી દ્વારા પાકને વધુ પિયતની જરૂર પડે છે તેમજ નિંદણ પણ વધારે ઊગી નીકળે છે. ખેતીમાં જંતુનાશકો અને યુરિયાનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરીને ખેડૂતો જમીનને બિનઉપજાઉ બનાવી રહ્યા છે. રાસાયણિક ખેતીથી પીવાના પાણીમાં પણ પ્રદૂષણ વધી રહ્યું છે. આમાંથી બચવાનો એકમાત્ર ઉપાય એ છે કે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ, ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ સાથે જોડાવવું જોઈએ.

ખેડૂત રવજીભાઈ પટેલ જણાવે છે,  હું વર્ષ ૨૦૧૯થી પ્રાકૃતિક કૃષિ કરું છું. કુલ જમીનમાંથી ૫ એકર જમીન પર પ્રાકૃતિક ખેતીમાં ઘઉં, બાજરી, કપાસ જેવા પાકોનું વાવેતર કરી રહ્યો છું. શરૂઆતમાં હું રાસાયણિક ખેતી પદ્ધતિથી ખેતી કરતો હતો, જેથી આવક કરતા ખર્ચનું પ્રમાણ વધી જતું હતું. ત્યારે જિલ્લામાં યોજાતી આત્મા પ્રોજેક્ટની તાલીમમાં જોડાઈને તથા કિશાન ગોષ્ઠી, કૃષિ મેળા દ્વારા નવીન ખેતી પદ્ધતિ વિશે માર્ગદર્શન મેળવ્યા બાદ પ્રાકૃતિક ખેતી તરફ વળવાની મને પ્રેરણા મળી હતી. આ સાથે પ્રાકૃતિક ખેતીથી થતાં ફાયદાઓ વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે, હું હાલ ગાયનું ગૌમૂત્ર અને ગોબરથી બનાવામાં આવતાં જીવામૃતનો ઉપયોગ કરી રહ્યો છું. જીવામૃતના ઉપયોગથી જમીનમાં સુક્ષ્મ તત્વોનું પ્રમાણ વધે છે. જેથી અલગથી જૈવિક ખાતરના વપરાશની જરૂર પડતી નથી.  પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી જમીનની ફળદ્રુપતા તથા નિતારશક્તિ વધી છે  જેથી પાકને વધુ પિયતની જરૂર રહેતી નથી. જીવામૃતથી જમીનમાં ઓર્ગેનિક કાર્બન તથા સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ વધ્યું છે જેથી  અલગથી જૈવિક ખાતર આપવાની જરૂર પડતી નથી. પ્રાકૃતિક ખેતીથી પાકની ગુણવત્તામાં સુધારો થાય છે અને  આવકમાં પણ વધારો થયો છે. તેથી અન્ય ખેડૂતોએ પણ પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ.