રાષ્ટ્રગીત વંદે માતરમને ૧૫૦ વર્ષ પૂર્ણ થયાના સંદર્ભે ૭ નવેમ્બરે રાષ્ટ્ર વ્યાપી ઉજવણીનું આયોજન
કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત ગીત વંદે માતરમે્ ભારતના આઝાદીની લડત સમયે નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની અડગ આસ્થા સ્થાપિત કરવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ૧૯૫૦માં ભારત સરકારે આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા આપી હતી. આ ગીતને પ્રસિદ્ધ થયાને ૧૫૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે તા.૭ નવેમ્બરના તેની રાષ્ટ્રવ્યાપી ઉજવણી થનાર છે. ઉપરાંત રાજયકક્ષાએ ૭ થી ૨૬ નવેમ્બર સુધી રાષ્ટ્ર ગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે.
આ ઉજવણીના અનુસંધાને તા.૭ થી ૨૬ નવેમ્બર સુધી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા, પોલીસ વડાની કચેરી, જિલ્લાના મુખ્ય મથકના જાહેર સ્થળો, સરકારી કચેરીઓ ખાતે સમૂહ ગાન તથા સ્વદેશીની શપથ લેવામાં આવશે. ઉપરાંત શાળા, કોલેજો ખાતે સેમીનાર, વકતૃત્વ સ્પર્ધા, ચર્ચાસત્ર, યુવા મેરાથોનનું આયોજન કરાશે. ઉલ્લેખનીય છે કે, “વંદે માતરમ્” એ માત્ર એક રાષ્ટ્રગીત નહીં પરંતુ ભારત માતાની આરાધના સમાન એક અદ્વિતીય પ્રાર્થના તથા રાષ્ટ્રના હૃદયનો ધબકાર છે. આ ગીતના કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે પોતાના સાહિત્ય દ્વારા જે રાષ્ટ્રપ્રેમ, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ આપ્યો છે.