“વંદે માતરમ્ ” રાષ્ટ્રગીતના 150 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાષ્ટ્રમાં આયોજીત “ઉત્સવ કાર્યક્રમ” ને કચ્છ જીલ્લા ભાજપ દ્વારા મનાવાયો

આજરોજ કચ્છ જીલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા “વંદે માતરમ્ ” રાષ્ટ્રગીતની રચનાને 150 વર્ષ પૂર્ણ થતાં આ અવસરે સમગ્ર રાષ્ટ્રમાં આયોજીત “ઉત્સવ કાર્યક્રમ” ને ઉત્સાહભેર મનાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાત રાજ્યના નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના વડપણ હેઠળ સમગ્ર કચ્છ જિલ્લા ભાજપ પરિવાર તેમજ વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા હરખભેર અભિવાદન કરાયું હતું.

કાર્યક્રમના પ્રારંભે પંકજભાઈ ઝાલા દ્વારા વંદે માતરમ ગીતનું સામૂહિક ગાન કરાવવામાં આવ્યું હતું અને આ મહાકાવ્યની રચના, તેની મહત્તા અને તેના ભાવાર્થને ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યા હતા.

જિલ્લા ભાજપ મંત્રી વિકાસભાઈ રાજગોરે કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે કઈ રીતે આઝાદીથી લઈને આજ દિન સુધી વિવિધ કોંગ્રેસ સરકારોએ વખતોવખત વંદે માતરમ ગાન પર પ્રતિબંધો મૂક્યા હતા અને તેમની રાષ્ટ્રવિરોધી, મલિન, દંભી માનસિકતાનું વરવું પ્રદર્શન કર્યું હતું.

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા તેમના અભિવાદનનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે એક સામાન્ય કાર્યકર્તાથી ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળવી એ ભારતીય જનતા પાર્ટીના એના કાર્યકર્તા પ્રત્યે રહેલા વિશ્વાસ અને ભરોસાને પ્રદીપ કરે છે. ભાજપમાં કાર્યકર્તા ક્યારેય બદલાતો નથી, માત્ર પદવી બદલાય છે, માત્ર જવાબદારી બદલાય છે. સર્વે ઉપસ્થિતોને તેમણે લોકહિતના વધુના વધુ કાર્યો અંગેના સુઝાવો અને ભલામણો તેમની પાસે પહોંચાડવા અનુરોધ કર્યો હતો. વિશેષમાં તેમણે ઉમેર્યું હતું કે પદભાર સંભાળવો એ કાંટાળા તાજ બરોબર છે અને પ્રજાહિતના પ્રત્યેક કાર્યમાં અંતે ખરા ઉતરવું એ ખૂબ અગત્યની બાબત છે અને અને નાગરિકોનો અમને મળેલ જવાબદારીઓની સમીક્ષા કરવાનો અને સરવૈયું કાઢવાનો પૂરેપૂરો હક્ક અને અધિકાર છે એમાં શંકાને કોઈ સ્થાન નથી.

આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, મહામંત્રીઓ નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઇ આચાર્ય, કેડીસીસી બેંક ચેરમેન દેવરાજભાઈ ગઢવી, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી, પૂર્વ જિલ્લા પંચાયત અધ્યક્ષા પારૂલબેન કારા, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી સહિતના જિલ્લા ભાજપના હોદ્દેદારો, બહોળું કાર્યકર્તા વૃંદ તેમજ વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.