કનકપર કોલેજ ખાતે રેડ રિબન ક્લબ અંતર્ગત યુવાનોમાં આરોગ્ય જાગૃતિ માટે વિશેષ સત્ર યોજાયું – વિશ્વ હેપેટાઇટિસ દિવસની પણ ઉજવણી

482934

જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની દેખરેખ હેઠળ, જિલ્લા ટી.બી. અને એઇડ્સ કંટ્રોલ અધિકારીશ્રી ડો. મનોજ દવેના માર્ગદર્શન અનુસાર જિલ્લા દિશા ટીમ દ્વારા આજ રોજ A.J.P.B. Arts & Commerce College, કનકપર (નલિયા-કચ્છ) ખાતે રેડ રિબન ક્લબ (RRC) અંતર્ગત યુવાનોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી વિશેષ અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે વિશ્વ હેપેટાઇટિસ દિવસની “Hepatitis: Let’s Break It Down” થીમને અનુલક્ષીને પણ ઉજવણી કરવામાં આવી હતી. આજના સમયમાં ચ.આઈ.વી., હેપેટાઇટિસ,  ક્ષયરોગ, મેલેરિયા અને અન્ય ચેપી રોગો અંગે સાચી માહિતી દરેક યુવાનો સુધી પહોંચે, ભ્રાંતિઓ દૂર થાય, સમયસર તપાસ અને સારવાર માટે લોકો પ્રેરિત થાય તેમજ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અંગે જાગૃતિ વધે તેવા હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લા ટી.બી. અને એઇડ્સ કંટ્રોલ અધિકારીશ્રી ડો. મનોજ દવે દ્વારા રેડ રિબન ક્લબની રચના, તેના ઉદ્દેશો, યુવાનોની સમાજ પ્રત્યેની જવાબદારી તેમજ એચ.આઈ.વી./એઇડ્સ અંગેની પ્રાથમિક માહિતી આપી વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે યુવાનોમાં યોગ્ય માહિતી અને સકારાત્મક અભિગમ દ્વારા એચ.આઈ.વી. અને અન્ય ચેપી રોગો અંગેની ગેરમાન્યતાઓ દૂર કરી શકાય છે તેમજ સમાજમાં આરોગ્યલક્ષી સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે. ત્યારબાદ સી.એસ.ઓ. શ્રી સુરેશ ચૌહાણ દ્વારા એચ.આઈ.વી., એસ.ટી.આઈ. અને હેપેટાઇટિસ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમણે હેપેટાઇટિસના પ્રકારો, તેના ફેલાવાના માર્ગો, સમયસર નિદાન, રસીકરણનું મહત્વ તેમજ યોગ્ય સારવાર દ્વારા ગંભીર પરિણામોથી બચી શકાય છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. સી.એચ.ઓ. માનસીબેન પાઠક દ્વારા ક્ષયરોગના લક્ષણો, નિઃશુલ્ક તપાસ અને સારવારની સુવિધા, સરકારની વિવિધ યોજનાઓ તથા ટી.બી. મુક્ત ભારત અભિયાન અંગે માહિતી આપવામાં આવી હતી. જ્યારે એમ.પી.એચ.ડબલ્યુ. શ્રી કિરણભાઈ દ્વારા મેલેરિયાના નિવારણ, મચ્છરના ઉપદ્રવથી બચવાના ઉપાયો, સ્વચ્છતા અને વરસાદી ઋતુ દરમિયાન ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓની રેડ રિબન ક્લબ (RRC)ની રચના કરવામાં આવી હતી, જેથી યુવાનો પોતે આરોગ્ય જાગૃતિના દૂત બની પોતાના મિત્રો, પરિવારજનો અને સમાજમાં આરોગ્ય અંગે યોગ્ય સંદેશો પહોંચાડી શકે. વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને આરોગ્ય જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે એચ.આઈ.વી., ક્ષયરોગ અને હેપેટાઇટિસ વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આરોગ્ય સંદેશ આપતી સુંદર કૃતિઓ રજૂ કરી હતી. ચિત્ર સ્પર્ધાના વિજેતાઓ નીચે મુજબ રહ્યા હતા: પ્રથમ ક્રમ: ગુસાઈ સિદ્ધિ (ટી.વાય.બી.એ.) દ્વિતીય ક્રમ: પ્રેમજીયાણી પૂજા (એસ.વાય.બી.એ.) તૃતીય ક્રમ: જેપાર પ્રિન્સી (એસ.વાય.બી.એ.) આ કાર્યક્રમમાં કુલ ૮૦ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આરોગ્ય સંબંધિત વિવિધ વિષયો અંગે માહિતી મેળવી અનેક પ્રશ્નોના નિરાકરણ પણ મેળવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના પ્રિન્સિપાલ ડો. કેકાબેન ભટ્ટ, સમગ્ર અધ્યાપક મંડળ, કોલેજ સ્ટાફ તેમજ જિલ્લા દિશા ટીમે સક્રિય સહયોગ આપી સુંદર આયોજન અને વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી.કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને સંદેશ આપવામાં આવ્યો હતો કે આરોગ્ય અંગે સાચી માહિતી જ રોગો સામેનું સૌથી અસરકારક શસ્ત્ર છે. દરેક યુવાન પોતાની સાથે પરિવાર અને સમાજને પણ એચ.આઈ.વી., હેપેટાઇટિસ, ક્ષયરોગ અને અન્ય ચેપી રોગો અંગે જાગૃત બનાવી સ્વસ્થ, સુરક્ષિત અને રોગમુક્ત સમાજના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.