કપરા સમયે ગુજરાત સરકાર મદદે આવતાં આનંદ સાથે આભાર માનતા કચ્છના ખેડૂતો

રાજ્ય સરકાર દ્વારા હાલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે, ત્યારે કચ્છમાં ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી વેચવા ઉમટી રહ્યા છે. ભુજના ખરીદ કેન્દ્ર ખાતે ખેડૂતો મગફળી વેચવા આવ્યા હતાં. આ સાથે રાજ્ય સરકારે કમોસમી વરસાદથી પાક નુકસાનીની સહાય માટે જાહેર કરેલા રૂ. ૧૦ હજાર કરોડના રાહત પેકેજ અને સરકારની મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રત્યે ખેડૂતો રાજીપો વ્યક્ત કરી રહ્યા છે.
ભુજ તાલુકાના અટલનગર ચપરેડીના હરીભાઈ વેલાભાઈ ચાડ, ત્રાયા ગામના હીરાભાઈ અને ઉખડમોરા ગામના ખેડૂત અગ્રણી માવજીભાઈ સહિતના ખેડૂતોએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદ પછી રાજ્ય સરકારે રૂ. ૧૫૦૦૦ કરોડની વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે જેમાં કચ્છમાં મગફળીનો બજાર કરતાં સારો ભાવ આપી ખેડૂતદીઠ મણની ખરીદી કરવામાં આવી રહી છે જેથી ખેડૂતોને રાહત થઈ છે. ખેડૂતોની કોઈ ફરિયાદ ના રહે તે રીતે મગફળીની ખરીદી થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. આ સાથે જ ખેડૂતોએ ઉમેર્યું હતું કે, કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તેવા કપરા સમયે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોને સહાય આપવામાં આવી છે. જે બદલ કચ્છના ખેડૂતોવતી તેમણે ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.