ગુજરાતના ટીટી ખેલાડી માનવ ઠક્કરે વિશ્વ ક્રમાંકમાં મોખરાના 35 ખેલાડીમાં સ્થાન હાંસલ કર્યું

ગુજરાતના સ્ટાર પેડલર માનવ ઠક્કરે તેની પ્રભાવશાળી કારકિર્દીમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે અને તે વર્લ્ડ ટેબલ ટેનિસ ક્રમાંકમાં મોખરાના 35 ખેલાડીમાં સ્થાન હાંસલ કર્યું છે. આમ કરનારો તે માત્ર ત્રીજો ભારતીય અને ઓવરઓલ પાંચમો ભારતીય પેડલર બન્યો છે.
ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન (આઇટીટીએફ)ના 2025ના 46મા સપ્તાહ માટેના તાજા જાહેર કરાયેલા ક્રમાંક મુજબ 25 વર્ષીય સુરતી ખેલાડી માનવ વિશ્વમાં 35મા ક્રમે પહોંચી ગયો છે. આમ તેણે અગાઉના ક્રમમાં ત્રણ ક્રમાંકની આગેકૂચ કરી છે.
આ સિદ્ધિ સાથે માનવ ભારતના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ એ. શરથ કમાલ, જી. સાથિયાન, શ્રીજા અકુલા અને મણિકા બત્રાની હરોળમાં આવી ગયો છે. અગાઉ આ ખેલાડીઓએ વર્લ્ડ ક્રમાંકમાં 35 ક્રમનો માર્ક પર કર્યો હતો.
માનવ માટે 2025ની સિઝન યાદગાર રહી છે. આ દરમિયાન તે વિશ્વના કેટલાક ટોચના ખેલાડીઓ સામે સંખ્યાબંધ રોમાંચક મેચો રમ્યો છે. તેની આગેકૂચમાં ચેન્નાઈ ખાતેની WTT સ્ટાર કન્ટેન્ડરમાં ભૂતપૂર્વ 15મા ક્રમાંકિત કોરિયન ખેલાડી લિમ જોંગહૂન સામેના મુકાબલાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત તે યુરોપિયન સ્મેશમાં જાપાનના વિશ્વના 23મા ક્રમાંકિત શિન્ઝોઉકા હિરોટો સામે રમ્યો હતો અને નજીવા અંતરથી પરાજિત થયો હતો તથા વિશ્વના ચોથા ક્રમના ટોમુકાઝુ હારિમોટો તથા 16મા ક્રમના એન જેહ્યુન (કોરિયા) સામે પણ WTT મેચ રમ્યો હતો.
સાતત્યપૂર્ણ પ્રદર્શન માનવના આંતરરાષ્ટ્રીય સર્કિટમાં સતત ઉદયને રેખાંકિત કરે છે અને ભારતના સૌથી આશાસ્પદ પેડલર્સ પૈકીના એક તરીકેના તેના સ્થાનને પુનઃપુષ્ટિ આપે છે.
અત્યારે સુરત સ્થિત પોતાના નિવાસે વાયરલ ચેપની બીમારીમાંથી સ્વસ્થ થઈ રહેલા માનવ ઠક્કરે જણાવ્યું હતું કે તે ખૂબ આગળનું વિચારી રહ્યો નથી અને ફક્ત તે જે પણ ટુર્નામેન્ટમાં પ્રવેશ કરે છે તેમાં મેચ જીતવા અને વિકાસ અને સુધારણાની પ્રક્રિયા જારી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.
“જ્યારે હું અંડર-18 અ અંડર-21માં જુનિયર વર્લ્ડ નંબર વન હતો ત્યારે સિનિયર્સમાં મારા સ્થાન દરમિયાન મારા મનમાં દરેક પાસામાં સુધારો કરવાનું એક વિઝન હતું. મેં 2021માં વિશ્વ નંબર 150 તરીકે શરૂઆત કરી હતી, 2025 ની શરૂઆતમાં 60મા ક્રમે હતો અને આશા છે કે હું આ વર્ષે ટોચના 35માં સ્થાન મેળવીશ. ભારત માટે નિયમિતપણે રમ્યા પછી મને મળેલા અનુભવ, પેરિસ ઓલિમ્પિક્સ 2024નો અનુભવ અને ડરના અવરોધને તોડવાથી મને આજે હું જે ખેલાડી છું તે મળ્યો છે,” તેમ ચશ્માધારી માનવે ઉમેર્યું હતું.
સુરતના સ્ટાર ખેલાડીએ અંતે ઉમેર્યું હતું કે “હું વાયરલમાંથી સારી રીતે સ્વસ્થ થઈ ગયો છું અને મારી પાસે છેલ્લી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ ઓમાન WTT સ્ટાર સ્પર્ધક માટે તૈયારી કરવાનો સમય છે. માંદગીને કારણે હું લાંબા સમય પછી ઘરે આવ્યો છું, એક વિરામ જે હું ઇચ્છતો ન હતો પરંતુ તેણે મને ઘણી રીતે મદદ કરી છે. મને આશા છે કે હું ઓમાનમાં મારું શ્રેષ્ઠ આપી શકીશ.”