રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ ગાંધીધામ દ્વારા હાજીપીર-ભીટારા-ધોરડો-ખાવડા-રોડનું સમારકામ કરાયું

રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ ગાંધીધામ હસ્તકના ઘડુલી–સાંતલપુર રોડ (રા.ધો. નં. ૭૫૪કે) અંતર્ગત આવેલા હાજીપીર–ભીટારા–ધોરડો–ખાવડા માર્ગ વર્ષોથી સિંગલ લેન તરીકે કાર્યરત છે. આ માર્ગ પર ખાવડા નજીક વિકસતા રિન્યુએબલ એનર્જી પાર્ક તથા આસપાસ સ્થિત મીઠાના ઉદ્યોગોને કારણે વાહનવ્યવહાર વધી રહ્યો છે, જેના પરિણામે સિંગલ લેન હોવાથી આ માર્ગને સતત નુકસાન થતું રહે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અત્રે ઉલેખનીય છે કે, આ મહત્વના માર્ગને ૧૦ મીટર પહોળો કરી નેશનલ હાઇવેના ધોરણ મુજબ અપગ્રેડ કરવા માટેની દરખાસ્ત ભારત સરકારશ્રીમાં મોકલવામાં આવી છે. આ કામને વહેલીતકે મંજૂરી મળ્યા બાદ તેની કામગીરી શરૂ કરાશે.
દિવાળી પૂર્વે આ માર્ગનું પ્રાથમિક મરામત કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું. હવે દિવાળી બાદ આવનારા ‘રણોત્સવ’ કાર્યક્રમ દરમિયાન પ્રવાસીઓની સુરક્ષાને અને આરામદાયક પ્રવાસને સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ – ગાંધીધામ દ્વારા ગુણવત્તાયુક્ત મટીરીયલ અને જરૂરી મશીનરીનો ઉપયોગ કરીને સમારકામ કરાયું છે.
આ કામગીરી અંતર્ગત ડામર પેચથી માર્ગના ખાડાઓનું પુરાણ તેમજ બંને સાઈડ પુરાણ કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં મુસાફરોને કોઈ જ પ્રકારે મુશ્કેલી ન પડે તે હેતુથી રિપેરીંગની કામગીરી કરવામાં આવી છે.