રાજ્ય સરકાર ખેડૂતોની વ્હારે : રૂ.૧૦ હજાર કરોડનું પેકેજ જાહેર

પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકશાનમાંથી બેઠા કરવા રાજ્ય સરકારે અત્યારસુધીનું સૌથી મોટું રૂ. ૧૦ હજાર કરોડનું ઐતિહાસિક રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે. આ સહાય પેકેજના કારણે ખેડૂતોને મોટી મદદગારી થશે. રાજ્ય સરકારની આ સંવેદનશીલતાને આવકારતા ખેડૂતો વતી કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડાયરેક્ટરશ્રી ભુજના મનુભા જાડેજાએ આભાર વ્યકત કર્યો હતો.
મનુભા જાડેજાએ જણાવ્યું હતું કે, રૂ.૧૦ હજાર કરોડનું માતબર પેકેજમાં એક હેક્ટર દીઠ રૂ.૨૨ હજારની સહાય આપવામાં આવશે. આમ, ૨ હેક્ટર સુધી રૂ. ૪૪ હજારની સહાય ખેડૂતને મળશે. ઉપરાંત ૧૫ હજાર કરોડના ખર્ચે સરકારે જણસોની ખરીદી શરૂ કરી છે. આમ, મુખ્યમંત્રીશ્રીના ત્વરીત નિર્ણયના કારણે ધરતીના તાતને ટેકો મળ્યો છે. હાલ ખરીદી કેન્દ્રોમાં પારદર્શિતા સાથે સુવ્યવસ્થિત પ્રક્રિયા ચાલી રહી છે, જેનાં કારણે ખેડૂતોમાં વિશ્વાસ અને ખુશી છે. આ કામગીરી ખેડૂતો માટે આર્થિક રીતે લાભદાયી બની રહી હોવાનો આંનદ વ્યકત કરતા તેમણે કચ્છના ખેડૂતો વતી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.