પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે થતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી

  ગુજરાત રાજય પ્રાકૃતિક ખેતીને વેગ આપવા વિશેષ કામગીરી, આયોજન, યોજના અમલીકરણ તથા ખેડૂતોને તાલીમ-પ્રોત્સાહન, વેંચાણમાં મદદ સહિતની કામગીરી કરી રહ્યું છે. ત્યારે કચ્છ જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીની પહેલને બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે.

       પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસારના ભાગરૂપે કચ્છના ખેડૂતો સુધી પ્રાકૃતિક ખેતી કઇ રીતે કરવી તેની જાણકારી અને માર્ગદશર્ન આપવામાં આવી રહ્યું છે. ત્યારે પ્રથમ એ જાણવું જરૂરી છે કે, પ્રાકૃતિક ખેતી એટલે શું ? પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે થતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી, પાકની વૃદ્ધિ માટે જરૂરી ઈનપુટ (ખેત સામગ્રી) બહારથી ન લેતાં, પ્રાકૃતિક સામગ્રી દ્વારા જ જાતે ખેડૂત પોતે તે બનાવી શકે છે.

      પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે ખેડૂતોએ સૌ પ્રથમ પોતાની ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરવો જોઈએ. ત્યારબાદ દેશી ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી તૈયાર કરેલા જીવામૃત/ઘન જીવામૃતનો ઉપયોગ કરી જમીન તૈયાર કરવી જોઈએ. ત્યારબાદ વાવેતર વખતે પાકના બિયારણને બીજામૃતનો પટ આપી વાવેતર કરવું જોઈએ. પ્રાકૃતિક કૃષિના પાંચ આધાર સ્થંભ મુજબ ખેતી કરવાથી સારા પરિણામો પ્રાપ્ત થાય છે.

  પ્રાકૃતિક ખેતીના પંચામૃત

૧) બીજામૃત

૨) જીવામૃત + ઘન જીવામૃત

૩) આચ્છાદન

૪) વાફસા (ભેજ)

૫) જૈવ વૈવિધતા (સહજીવીપાક)

       ગુજરાત રાજયની ખેતીની જમીનમાં ઓર્ગેનીક કાર્બન, નાઈટ્રોજન, ઝીંક, સલ્ફર, વિગેરે પોષકતત્વોની મોટી ઉણપ હોવાથી કોઈપણ પ્રકારની ખેતી પ્રવૃતિમાં પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી તૈયાર કરેલ જીવામૃત/ઘન જીવામૃતનો ઉપયોગ કરવાથી સુક્ષ્મજીવો/અળસિયાની સંખ્યા જમીનમાં વધે છે જે જીવંત કે કાષ્ટ આચ્છાદનનું વિઘટન કરી હ્યુમસનું નિર્માણની સાથે અલભ્ય પોષક તત્વોને લભ્ય રૂપમાં ફેરવી ભુમીની ઉત્પાદન ક્ષમતા-ફળદ્રુપતા અને પ્રતિકાર શક્તિ વધારે છે.

પ્રાકૃતિક ખેતી શા માટે અથવા તેના ફાયદા?

·         ભૂમીની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો

·         માત્ર એક દેશી ગાયના ગોબર-ગૌમૂત્ર થી ૩૦ એકર જમીનમાં ખેતી થઈ શકે

·         નહીવત ઉત્પાદન ખર્ચ, રસાયણમુક્ત ખેત પેદાશ, વધારે ભાવ

·         પાણી અને વિજળીની બચત, મિત્ર કીટક અને મધમાખીનું રક્ષણ

·         પર્યાવરણ, માનવીય સ્વાસ્થ્ય અને જીવસૃષ્ટિનુ રક્ષણ, પોષણ અને સંવર્ધન

·         ગામ અને દેશ સ્વાવલંબનનું નિર્માણ

જીવામૃત

તૈયાર કરવાની રીત:

        ૧૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર + ૧૦ કિગ્રા દેશી ગાયનું તાજું ગોબર + ૧ મુઠી ઝાડ નીચેની/શેઢા-પાળા/વાડની માટી + ૧ કિગ્રા દેશી ગોળ + ૧ કિગ્રા ચણા કે કોઈપણ દાળના લોટનું મિશ્રણ તૈયાર કરવું અને તેને ૧૮૦ લીટર પાણીના ડ્રમમાં નાખી મીલાવો, ડ્રમને કંતાનની થેલીથી ઢાંકવું અને છાંયડે રાખવું. લાકડીથી ઘડિયાળના કાંટાની દિશામાં સવાર-સાંજ ૨ વખત ૫-૫ મિનિટ માટે હલાવવું. ઉનાળામાં બે-ત્રણ દિવસમાં અને શિયાળામાં એક અઠવાડિયામાં જીવામૃત તૈયાર થઈ જશે. જીવામૃત તૈયાર થયા પછી ૧૫ દિવસ સુધી ઉપયોગ કરી શકાય છે.

 વાપરવાની રીત :  એક એકર માટે ૨૦૦ લી. જીવામૃતને ગાળીને પિયતના પાણી સાથે અથવા ડ્રીપ સાથે મુખ્ય પાકની હારમાં આપવું અને ઉભા પાક પર છંટકાવ કરવો.

ઘન જીવામૃત

બનાવવાની રીત :

૨૦૦ કિગ્રા સખત તાપમાં સુકવેલ, ચાળણીથી ચાળેલ દેશી ગાયના ગોબરને ૨૦ લીટર જીવામૃત સાથે ભેળવવું. ૪૮ કલાક માટે છાંયો હોય ત્યાં ઢગલો કરી ત્યારબાદ પાતળુ સ્તર કરી સુકવવું. આ સ્તરને દિવસમાં ૨-૩ વાર ઉપર નીચે કરવું. સુકાય જાય ત્યારે ગાંગડાનો ભુકો કરી શણના કોથળામાં રાખવું. છ માસ સુધી વાપરી કરાય છે.

વાપરવાની રીત :  જમીનમાં અંતિમ ખેડાણ પહેલા પ્રતિ એકર ૨૦૦ કિગ્રા અને ફુલ અવસ્થાએ પ્રતિ એકર ૧૦૦ કિગ્રા આપવું.

ફુગની રોકથામ માટે આ રીતે ફુગનાશકો બનાવી શકાય છે –

બીજામૃત

૫ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર + ૫ કિગ્રા દેશી ગાયનું તાજુ ગોબર + ૫૦ ગ્રામ ચુનો + ૧ મુઠી ઝાડ નીચેની/શેઢા-પાળા/વાડની માટીને ૨૦ લીટર પાણીમાં મિશ્રણ કરી ૧૦૦ કિગ્રા બિયારણને પટ આપવા માટે ૨૪ કલાક બાદ ઉપયોગમાં લેવું.

સુંઠાસ્ત્ર

૨૦૦ ગ્રામ સુંઠ અથવા વાવડીંગ પાઉડરને ૨ લીટર પાણીમાં એટલુ ઉકાળો અથવા પાણી અડધુ થાય બાદમાં ઠંડુ પાડો, બીજા વાસણમાં ૨ લીટર દુધને ધીમા તાપે ઉકાળી મલાઈ કાઢી નાખવી. ૨૦૦ લીટર પાણીમાં ઉપરનો ઉકાળો અને દૂધ મીક્ષ કરી ૨ કલાક બાદ છોડ પર ઉપયોગ કરો.