સ્વસ્થ ગુજરાત- મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન
દેશના નાગરિકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત તો દેશ પણ તંદુરસ્ત કહેવાય છે. વર્તમાન સમયમાં બદલાતી જતી જીવનશૈલી અને આહાર અંગે જાગૃતિ લાવી નાગરિકો સ્વસ્થ જીવન જીવે તેના પર દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભાર મુકી “મન કી બાત” કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને આહવાન કર્યુ હતું. જે આહવાનને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઝીલી લઈ તેમના નેતૃત્વમાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય હેતુ રાજ્યની જનતામાં સ્વસ્થ જીવનશૈલીની અભ્યાસપ્રવૃત્તિ ઊભી કરીને મેદસ્વિતા સામે સામૂહિક જાગૃતિ અને લડત ઉભી કરવા માટેનો છે. જે માટે કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાનને સફળ બનાવવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
“સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના તમામ આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રો દ્વારા સામાજિક અને વ્યવહાર પરિવર્તન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે કોમ્યુનિટી મીટિંગો, જૂથ ચર્ચાઓ (Group Discussions), વ્યક્તિગત પરામર્શ (IPC- Interpersonal Communication), શાળા-કોલેજ અને અન્ય શૈક્ષણિક તથા સામાજિક સંસ્થાઓમાં પ્રેરણાદાયક માર્ગદર્શન કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને મેદસ્વિતાને કારણે થતી ગંભીર બિમારીઓ અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. મેદસ્વિતાને કારણે ખાસ કરીને હ્રદય રોગ, ટાઈપ ૨ ડાયાબિટીસ, કેન્સર, હાઈબ્લડ પ્રેશર, હાઈપર ટેન્શન, સ્ટ્રોક અને હાઈકોલેસ્ટ્રોલની બિમારી શરીરમાં ઘર કરી જાય છે. જેનાથી બચવા માટે નિયમિત વ્યાયામ, યોગ-પ્રાણાયામ અને શ્રમને જીવનનો નિયમિત ભાગ બનાવવો જોઈએ. મેદસ્વિતા ઘટાડવા માટે તળેલા તેમજ વધુ ખાંડવાળા નાસ્તા, ચિપ્સ અને પેકેટ ફૂડ્સ, મીઠાઈઓ અને કેક-ચોકલેટ્સ, ક્રીમવાળા ખાદ્ય પદાર્થો અને કોલ્ડડ્રીંક્સને ‘‘ના’’ કહો તેમજ તાજા ફળો, સૂકામેવા, તાજા શાકભાજી, ફળ, શાકભાજીના જ્યુસ અને તાજા સલાડને ‘‘હા’’ કહો. આટલી બાબતોનું ધ્યાન રાખવાથી મેદસ્વિતાથી પણ મુક્ત થઈ શકાશે અને સશક્ત – તંદુરસ્ત જીવન જીવી શકીશું.
બાળકોને સ્થૂળતાથી દૂર રાખવા માટે આ ઉપાયો અપનાવો
બાળકોને સ્થૂળતાથી દૂર રાખવા અંગેના ઉપાયો અંગે જાણીએ તો, માતા પિતાએ ખાસ કરીને બાળકોની કુટેવો ઉપર ધ્યાન આપવુ જોઈએ. બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ ન વધે તે માટે મોબાઈલ સ્ક્રીનનો સમય ઓછો કરો અને ઘરની બહાર રમાતી રમતોને પ્રોત્સાહિત કરો, પેક્ડ અને પ્રોસેસ્ડ ખોરાકને ટાળવો જોઈએ. તાજા અને પૌષ્ટીક ખોરાક પર ધ્યાન આપવુ જોઈએ, ફળો અને શાકભાજી ખવડાવો તેમજ બાળકોને લોટ, ખાંડ, મીઠાઈ વગેરેથી દૂર રાખવા જોઈએ. મેદસ્વિતાને કારણે બાળકના ભણતર અને જીવન ઘડતર ઉપર પણ માઠી અસર પહોંચતી હોય છે. જેના નુકસાન અંગે પણ માતા પિતાએ બાળકોને અવગત કરવા જોઈએ. બધાના સાથ સહકાર અને જાગૃતિથી કચ્છ જિલ્લામાં આ અભિયાનને ખરા અર્થમાં સાર્થક કરી શકાશે.