ચાઈનીઝ તુક્કલ/લેન્ટર્ન તથા ચાઈનીઝ માંઝા, દોરીના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ કરવા પર પ્રતિબંધ

કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની હદમાં ચાઈનીઝ તુક્કલ/લેન્ટર્ન તથા ચાઈનીઝ માંજા, નિયત કરતા વધારે ગ્લાસ કોટેડ દોરી થ્રેડ, સિન્થેટીક કોટીંગ સાથેની પ્લાસ્ટિક દોરી, નાયલોન થ્રેડ દોરીના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. પતંગ ઉડાડવા/ચગાવવાના હેતુથી ચોખાના લોટ, મેંદો, છોડ આધારીત ગુંદર અને અન્ય સમાન કુદરતી ઘટકો જેવા કુદરતી એડહેસિવની મદદથી કાચના પાવડરનું કોટિંગ કરેલ ઓછી તિક્ષ્ણ-શક્તિ ધરાવતો કોટનનો માંજો, જે સંપૂર્ણપણે તૂટી શકે તેવો હોય અને પરંપરાગત પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવેલ હોય તથા તેમાં તમામ ઘટકો બાયો-ડિગ્રેડેબલ પદાર્થો હોવા જોઈએ તથા કોટનના દોરા પર કોટિંગ માટેનો કાચનો પાવડર ૧૦% થી વધુ ન હોવો જોઈએ. જ્યારે ઉકાળેલા ચોખાનો સ્ટાર્ચ ૩૦%, મેંદો ૩૬%, કુદરતી ગુંદર અને રંગ ૨૪% કોટેડ સામગ્રીનો હોઈ શકે તથા કાચનો પાવડર, જે કોટિંગ પદાર્થનો ૧૦% હોઈ શકે છે, પરંતુ, તે કોટનના માજાના કુલ વજનના ૦.૫% થી વધુ ન હોવું જોઈએ તેવો કોટનનો માંઝો/દોરી વાપરી શકાશે.

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ ની આદેશાત્મક જોગવાઈઓને ધ્યાને લઇ આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ગુના કામે આ જાહેરનામા હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાનાં પાલન કરાવવાના અને તપાસનાં અંતે ચાર્જશીટ રજૂ કરવાના અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરનાં કર્મચારીઓને રહેશે. આ જાહેરનામું તા.૧૬/૦૧/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.

અંજના ભટ્ટી