કંડલા ખારીરોહર ખાતે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં ભૂકંપના કારણે વિકરાળ આગ ફાટી નીકળી

કચ્છમાં કંડલા ખારીરોહર ખાતે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં ભૂકંપના કારણે ડીઝલ લીક થતાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં જ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનની સેફ્ટી ટીમે ઈમરજન્સી કોલ જાહેર કર્યો હતો. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનના પરિસરમાં આવેલી ફાયર સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. જોકે, તમામ ફાયર સિસ્ટમ એક્ટિવ કર્યા બાદ પણ આગ ઉપર કાબૂ મેળવી શકાય એવી સ્થિતિ નહોતી. આથી કચ્છ જિલ્લા વહીવટીતંત્રની મદદ માંગવામાં આવી હતી. વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ આ ઘટના સ્થળે દોડી ગયા હતા. કંડલા પોર્ટ તથા ઇફ્કોના ફાયર ટેન્ડર્સને જાણ કરાતા ગણતરીની મિનિટોમાં ટીમે આગ બૂઝાવવામાં સફળતા મેળવી હતી. ઘાયલોને પ્રાથમિક સારવારથી લઇને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરાઇ હતી. જો કે, કોઇપણ આકસ્મિક દુર્ઘટનામાં નાગરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે રાજ્યકક્ષાની ઓઈલ અને કેમિકલ મોક એક્સસાઇઝ તથા ડ્રીસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગ્રુપ મોકડ્રીલનું ઓફસાઈટ આયોજન કરવામાં આવ્યું હતું. આ આગ લાગવાની દુર્ઘટનાનો પ્લાન મોકડ્રિલ હેઠળ તૈયાર કરીને વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો.
ખારીરોહર ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન ખાતે સવારે ૯.૦૦ થી ૧૧.૫૦ કલાક સુધી યોજાયેલી મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ પ્રકારની દુર્ધટનામાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ સુનિશ્ચિત કરવાનો હતો. વિશાળ દરિયાઈ સીમા ધરાવતા જિલ્લાઓમાં ઓઈલ & કેમિકલ સંબંધિત દુર્ઘટનાઓના નિવારણ અર્થે ઓઈલ & કેમિકલ મોક-એક્સરસાઈઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આકસ્મિક આપત્તિની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા હેતુ હુમલાનો પ્લાન મોકડ્રિલ હેઠળ તૈયાર કરીને વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો.
સવારે ૯.૦૦ કલાકે નાગરિક સંરક્ષણ કંટ્રોલરૂમ ખાતે આગ લાગવાનો હોટ લાઇનથી સંદેશો મળતા જ નિયંત્રકશ્રી દ્વારા તત્કાલ સાયરનની મદદથી લોકોને ખતરા વિશે સચેત કરવા, નાગરિક સંરક્ષણની તમામ સેવાઓને જરૂરી આદેશ ઉપરાંત ઉચ્ચકક્ષાએ કોમ્યુનિકેશન માટે જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત જરૂરી આદેશ આપવામાં આવ્યા હતા. સલામતી સુનિશ્ચિત કરવા વોર્ડન સેવા ઘટના સ્થળે પહોંચીને રાહત-બચાવની કામગીરી આરંભી હતી. વોર્ડન સેવામાં હોમગાર્ડ, એનસીસી, એનએસએસ અને સ્થાનિક પોલીસની ફર્સ્ટ રીસ્પોન્ડર ટીમે તેમની જવાબદારીનું વહન કર્યું હતું. વોર્ડન સેવા હેઠળની ફર્સ્ટ એઇડ પાર્ટી, હાઉસ ફાયર પાર્ટી અને રેસ્કયુ પાર્ટી પણ ઘટના સ્થળે પહોંચીને રાહત-બચાવની કામગીરી શરૂ કરી હતી.
નાગરિકોને ઇવેક્યુએટ કરીને તંત્ર દ્વારા તત્કાલ સલામત સ્થળે પહોંચાડવા સાથે ઘાયલ લોકોને ઘટના સ્થળે જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જ્યારે વધુ જખ્મી નાગરિકોને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. બીજી તરફ આગને કાબૂમાં લેવા ફાયર ફાઇટરની ટીમે પાણીનો છંટકાવ સાથે આગ બૂઝાવવાની કામગીરી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ ઓફસાઈટ મોકડ્રીલ જિલ્લા વહીવટીતંત્ર કચ્છના દ્વારા વિવિધ સલામતી અને સુરક્ષા એજન્સીઓના સંકલનમાં રહીને યોજવામાં આવી હતી. જેથી સંભવિત અકસ્માતની સ્થિતિમાં તમામ મદદ અને રાહત બચાવના પગલાંઓ ઝડપથી લઈ શકાય અને કંડલા પોર્ટ પર જાનહાનિને ટાળી શકાય. આ મોકડ્રિલ હેઠળ તમામ સુરક્ષા એજન્સીઓ, પોલીસ વિભાગ, સારવાર વ્યવસ્થાપન તથા વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો.
ભૂકંપ જેવી સ્થિતિમાં જો આગ ફાટી નીકળે તો નાગરિકોની સુરક્ષાની સુનિશ્ચિતા તથા જાગૃતતા માટે યોજાયેલી મોકડ્રીલ પહેલા ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓ અને રાહત બચાવના કર્મચારીઓ માટે ટેબલ ટોપ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોકડ્રિલનું મહત્વ, પરિસરમાં ઉપલબ્ધ સુવિધાઓ અને જોખમી કેમિકલ, મોકડ્રિલ સીનારીયો અને લોકેશન વિશે જાણકારી આપવામાં આવી હતી.
મોકડ્રિલ બાદ ડી-બ્રિફિંગમાં ઉપસ્થિત નિરીક્ષકોએ મોકડ્રિલ સમયે કરવામાં આવેલી તાત્કાલિક કામગીરી અને નિર્ણયો વિશે પોતાના અભિપ્રાયો જણાવીને સમગ્ર મોકડ્રીલમાં ભાગ લેનારી તમામ એજન્સી તથા વહીવટીતંત્રની ટીમને અભિનંદન આપ્યા હતા. મોકડ્રિલનું જનરલ સુપરવિઝન તેમજ અંજાર પ્રાંત અધિકારીશ્રી સુરેશ ચૌધરીએ મોકડ્રિલ દરમિયાન ઉપસ્થિત રહીને જરૂરી આકસ્મિક પરિસ્થિતિમાં લેવામાં આવેલા નિર્ણયોને બિરદાવીને સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા. ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારીશ્રી આર.એચ.સોલંકીએ મોકડ્રિલને સફળ ગણાવી સરકારશ્રીની અદ્યતન માર્ગદર્શિકા પ્રમાણે કામ કરવા અનુરોધ કર્યો હતો.