ગાંધીધામમાં કાર અને બાઈક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં 28 વર્ષીય યુવાન કાળનો કોળિયો બન્યો
copy image

ગાંધીધામમાં કાર અને બાઈક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં 28 વર્ષીય પ્રદીપ બદ્રીપ્રસાદ ધનારામ જાટોલિયા નામના યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના સપનાનગર ચાર રસ્તાથી કિડાણા તરફ જતાં માર્ગે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગાંધીધામના ખોડિયારનગરમાં રહેતા બદ્રીપ્રસાદભાઈ અચરૂલાલના ઘરે કિડાણા ખાતે પ્રસંગ હોવાથી ફરિયાદી પોતાના પરિવાર સાથે ત્યાં જમવા ગયેલ હતા. જ્યાં હતભાગી ન પહોંચતા ફરિયાદીએ તેને ફોન કરેલ હતો. ત્યારે પ્રદીપે થોડી વારમાં પહોંચૂ છું તેવું જણાવેલ. બાદમાં આધેડ તેમના પરીવાર સાથે જમીને પરત જઈ રહ્યા હતા તે સમયે સપનાનગરથી કિડાણા જતા રોડ પર તેમનો દીકરો પ્રદીપ લોહી-લુહાણ હાલતમાં પડયો હતો. વધુ તપાસ કરતાં જાણવા મળેલ કે, હતભાગી બાઈક લઈ ને કિડાણા જઈ રહ્યો હતો તે સમયે કોઈ કારના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ આ કાર ખાડામાં પડી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.