કંડલા ખાતે ભૂકંપના કારણે એઝીસ વોપેક ટર્મિનલના યુનિટ-૧માં એલપીજી લીક થતાં આગ ફાટી નીકળી

કંડલા ખાતે ભૂકંપના કારણે એઝીસ વોપેક ટર્મિનલના યુનિટ-૧માં એલપીજી લીકેઝ થતા જ ઈમરજન્સી કોલ આપવામાં આવ્યો હતો. કંપની દ્વારા તમામ ફાયરના સાધનોને એક્ટિવ કરીને આગને કાબૂમાં લેવામાં પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, આગ વિકરાળ હોય પરિસરમાં આવેલી ફાયર સિસ્ટમથી બૂઝાવી શકાય તેમ નહોતી. આથી કંપની દ્વારા આ આગને લેવલ ૦૩ ડિઝાસ્ટર જાહેર કરીને કચ્છ જિલ્લા વહીવટીતંત્રની મદદ માગવામાં આવી હતી. જિલ્લાની ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવતા મોટી દૂર્ઘટના ટળી હતી.
આ દુર્ઘટનાની જાણ થતા જ જિલ્લા વહીવટી તંત્રના પોલીસ, આરટીઓ, હેલ્થ, જીપીસીબી, ફાયર વગેરે વિભાગના અધિકારીશ્રીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. વહીવટી તંત્રના વિવિધ વિભાગોએ સંકલન સાથે કામગીરી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આમ જિલ્લા વહીવટી તંત્રની ઈમરજન્સી સેવાઓ થકી મોટી જાનહાનિને ટાળી શકાય હતી. જોકે, આ માત્ર ઓફસાઈટ મોકડ્રિલ હતી.
આ જિલ્લાકક્ષાની ઓફસાઈટ મોકડ્રીલ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, ઓદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના સંયુક્ત સંકલનમાં સફળતાપૂર્વક યોજવામાં આવી હતી. આકસ્મિક સંજોગો ઓફસાઈટ દુર્ઘટનાના કિસ્સામાં કેવી રીતે સંકલનથી કામગીરી કરી શકાય અને તેમાં રહી જતી ત્રુટિઓ દૂર કરી શકાય તે માટે આ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મોકડ્રિલમાં મામલતદારશ્રી ભગવતીબેન ચાવડા, નાયબ નિયામકશ્રી ઓદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના આસિસ્ટન્ટ ડાયરેક્ટરશ્રી એસ.આર.ઓઝા, જીપીસીબી, આરટીઓ, તાલુકા હેલ્થ અધિકારીશ્રી તથા સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ તથા કંપનીના ઉચ્ચ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.