આર્ચન કંપની, જખૌ સામે શ્રમિકોનું અનિશ્ચિતકાલીન ધરણાં, શોષણ અને અન્યાય વિરુદ્ધ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન, જખૌના શ્રમિકો નલિયા SDM કચેરી બહાર મક્કમ

અબડાસા તાલુકાના જખૌ ખાતે આવેલી આર્ચન કંપનીમાં મજૂરો પર થતા સતત શોષણ, અન્યાય અને દમનકારી નીતિઓ વિરુદ્ધ બહુજન આર્મી ના સ્થાપક લખન ધૂઆ અને જખૌ મજૂર સંઘ ના નેજા હેઠળ શ્રમિકોએ ગાંધી ચિંધ્યા માર્ગે અનિશ્ચિત સમય માટે ધરણાં શરૂ કર્યા છે. આંદોલનકારીઓએ આક્ષેપ કર્યો છે કે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો છતાં તંત્ર તરફથી કોઈ સંતોષકારક નિરાકરણ મળ્યું નથી, જેના કારણે તેમને આ લોકશાહી માર્ગ અપનાવવાની ફરજ પડી છે.
ધરણાંની શરૂઆત 17મી નવેમ્બર, 2025 થી નલિયા સ્થિત નાયબ કલેકટર સાહેબ, અબડાસા તાલુકાની કચેરી બહાર કરવામાં આવી છે. આ આંદોલનને સ્થાનિક રાજકીય અને સામાજિક આગેવાનોનું વ્યાપક સમર્થન મળી રહ્યું છે, જેમાં હુશેન રાયમા, નરેન્દ્રસિંહ જાડેજા, કુંભાર ઇબ્રાહિમ હારૂન, મામદ જુંગ જત, તકિશા બાવા, દિવ્યરાંજસિંહ (બકુલભાઈ) જાડેજા, હાજી સાલે પડિયાર, આરીફભાઈ લુહાર, અજબભાઈ મકવાણા, મહોબ્બતસિંહ જાડેજા, જતીનભાઈ લાલકા, મામદ મુસા વાઘેર, અસલમભાઈ લુહાર, રાજુભાઈ મોંમાયા, મહાવીરસિંહ જાડેજા, અલી લાખા કેર વગેરે અગ્રણીઓ હાજર રહી શ્રમિકોની લડતને ટેકો આપી ચૂક્યા છે.

શ્રમિકો અને બહુજન આર્મી દ્વારા કરવામાં આવેલી મુખ્ય માગણીઓ સીધી રીતે લેબર લો (શ્રમ કાયદાઓ) અને બંધારણીય અધિકારો નું ઉલ્લંઘન દર્શાવે છે.

10 વર્ષ જુના કર્મચારીઓને કાયમી કરવા. કાયમીકરણનો હક (Right to Regularization) કાયમી સ્વરૂપના કાર્યમાં લાંબા સમયથી કામ કરતા શ્રમિકોનું કાયમીકરણ ન કરવું એ શોષણની વ્યાખ્યામાં આવે છે.
પગારનું અનિયમિત વિલંબ (4 મહિનાથી બાકી) અને દર મહિને 10 તારીખ પહેલા નિયમિત પગાર કરવો. પગાર ચૂકવણી અધિનિયમ (Payment of Wages Act) કાયદા મુજબ નિયત સમયમર્યાદામાં (સામાન્ય રીતે 7 અથવા 10 તારીખ સુધીમાં) પગાર ચૂકવવો ફરજિયાત છે. 4 મહિનાનો પગાર બાકી હોવો એ ગંભીર કાયદાકીય ગુનો છે.
પીએફ (PF) ચૂકવવો, કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈઓ અધિનિયમ (EPF & MP Act, 1952) જૂના કોન્ટ્રાક્ટર કે મેનેજમેન્ટ દ્વારા પીએફ ન ભરવો એ ગંભીર અપરાધ છે, જેના માટે કડક દંડ અને જેલની સજાની જોગવાઈ છે.
સ્કિલ્ડ મજૂરોને મંથલી (માસિક ધોરણે) કરવા, સમાન કામ, સમાન વેતન (Equal Pay for Equal Work) કૌશલ્ય (Skilled) ધરાવતા કામદારોને કૌશલ્ય મુજબના પગાર ધોરણ અને માસિક પદ પર કાયમ કરવા અનિવાર્ય છે.
સેફ્ટી ઈક્વિપમેન્ટ (સલામતી સાધનો) અને મેડિકલ, પેઈડ રજા, ભથ્થા આપવા, ફેક્ટરીઝ એક્ટ, 1948 અને ઈએસઆઈ (ESI) અધિનિયમ કાર્યસ્થળે પૂરતી સુરક્ષા અને આરોગ્ય સુવિધાઓ (મેડિકલ), તેમજ કાયદા દ્વારા નિર્ધારિત રજાઓ અને ભથ્થાં ન આપવા એ મૂળભૂત શ્રમ કાયદાનું ઉલ્લંઘન છે.
અસલમ કંસારાના પરિવારને ₹5 લાખ આર્થિક સહાય અને કાયમી નોકરી, કર્મચારી વળતર અધિનિયમ (Employees’ Compensation Act) બીમારીના કારણે મૃત્યુ થયું હોય તો પણ, કાર્યસ્થળની પરિસ્થિતિઓ તેમાં જવાબદાર હોય તો નિયમાનુસાર વળતર અને સહાય માટે કંપની જવાબદાર છે.
લેબર લો મુજબ કંપનીનું સંચાલન કરવું, લેબર કાયદાઓનો અમલ સમગ્ર કંપનીનું સંચાલન શ્રમ કાયદા મુજબ થાય તે સુનિશ્ચિત કરવું એ રાજ્ય સરકારની પ્રાથમિક ફરજ છે.
સ્થાનિક લોકોને નોકરી અને CSR ફંડનો યોગ્ય ઉપયોગ, સ્થાનિક રોજગાર અને CSR (Corporate Social Responsibility) કાયદો કંપની દ્વારા સ્થાનિક યુવાનોને રોજગાર આપવો અને CSR ફંડ નો ઉપયોગ શિક્ષણ, આરોગ્ય અને રોડ-રસ્તા જેવા જાહેર કાર્યો માટે કરવો એ કાયદાકીય અને નૈતિક જવાબદારી છે.

અનિશ્ચિત ધરણાં પર બેઠેલા શ્રમિકો અને આગેવાનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે જ્યારે પણ તેઓ અર્ચન કંપનીની જેટ્ટી જે જખૌ બંદર ઉપર આવેલી છે તે જેટ્ટીના ગેટ સામે ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ આંદોલન કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે જખૌ મરીન પોલીસ દ્વારા તેમને અડધે રસ્તે રોકીને આંદોલનને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ કાયદાકીય રીતે ગંભીર બાબત છે. ભારતીય બંધારણ હેઠળની (કલમ 19(1)(b)), મુજબ શાંતિપૂર્ણ રીતે ભેગા થવાનો અને વિરોધ કરવાનો અધિકાર (Right to Peaceful Assembly) એ એક મૂળભૂત અધિકાર છે જો કોઈ વ્યક્તિ કે સંગઠન કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરીને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરે છે, તો તેને રોકવો એ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાય છે. પોલીસે આંદોલનકારીઓની સુરક્ષા કરવી જોઈએ, ન કે તેમને ધમકાવીને કે રોકીને તેમના અધિકારને દબાવવો જોઈએ. તેવા આક્ષેપો આંદોલન કરનારાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

આ સંદર્ભે, સ્થાનીય તંત્ર અને અબડાસા નાયબ કલેકટર સાહેબ (SDM) સમક્ષ નમ્ર પ્રાર્થના છે કે તેઓ આ શાંતિપૂર્ણ ધરણાંની કાયદેસરતાને સ્વીકારે અને આંદોલનને દબાવવાના પ્રયાસોને તાત્કાલિક અટકાવે, જેથી શ્રમિકોને તેમના કાયદેસરના હક્કો માટે લડવાનો સંપૂર્ણ અધિકાર મળી રહે. બહુજન આર્મી અને જખૌ મજૂર સંઘે સ્થાનીય તંત્ર, રાજ્ય સરકાર અને અબડાસા નાયબ કલેકટર સાહેબ પાસેથી સકારાત્મક અને ન્યાયસંગત નિર્ણયની આશા વ્યક્ત કરી છે. શ્રમિકોનું સ્પષ્ટ કહેવું છે કે તેમની માગણીઓ “સંવૈધાનિક અધિકાર” છે અને જ્યાં સુધી યોગ્ય, વાજબી અને કાયદેસર નિરાકરણ નહીં મળે, ત્યાં સુધી ધરણાં ચાલુ રહેશે.

સંબંધિત અધિકારીઓ અને રાજ્ય સરકારને વિનંતી છે કે આ ગંભીર શ્રમ કાયદાના ઉલ્લંઘન અને મૂળભૂત અધિકારોના દમનના મુદ્દાને તાત્કાલિક ધોરણે ધ્યાને લઈને, શ્રમિકોને કાયદાકીય ન્યાય મળી રહે તે માટે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે.