જંતુનાશક દવાઓથી વિપરીત અસર : કૃષિ અને માનવ આરોગ્ય માટે ગંભીર ચિંતા

 કૃષિ ક્ષેત્રમાં વિવિધ પાકોને નુકસાન કરતી કીટકોના નિયંત્રણ માટે ખેડૂતો મોટા પાયે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા આવ્યા છે. શરૂઆતમાં અસરકારક જણાતી આ દવાઓનો સતત અને વધતો ઉપયોગ કીટકોમાં જંતુનાશક દવાઓ પ્રત્યેની પ્રતિકાર શક્તિ વિકસાવવાનો મુખ્ય કારણ બન્યો છે. જેના કારણે જુની દવાઓ કીટકોને નષ્ટ કરવામાં બેઅસર બનતી જાય છે અને ખેડૂતોએ વધારે ખર્ચાળ અને વધુ રસાયણ ધરાવતી દવાઓનો ઉપયોગ કરવો પડે છે.

       વિશ્વભરમાં થયેલા અનેક અભ્યાસો દર્શાવે છે કે અતિરેક જંતુનાશક દવાઓના કારણે કીટકોની પ્રતિકાર ક્ષમતા સતત વધી રહી છે. જંતુનાશક દવાઓનો વધતો ઉપયોગ માત્ર કૃષિ ક્ષેત્ર પૂરતો મર્યાદિત નથી રહ્યો. દવાઓના અવશેષો શાકભાજી, ધાન, અનાજ, દૂધ, પાણી, માંસ, ચા જેવા ખોરાકમાં મળે છે, જે માનવ આરોગ્ય માટે ગંભીર જોખમ ઉભું કરે છે. ખાસ કરીને બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ અને વૃદ્ધોમાં તેના આડઅસર વધુ જોવા મળે છે. માથાનો દુખાવો, ઊબકા, ચક્કર, શ્વાસની તકલીફ, તેમજ લાંબા ગાળે કેન્સર જેવા જોખમો પણ ઊભાં થાય છે.

      જંતુનાશક દવાઓના વધતા ઉપયોગ અને તેના કારણે ઊભી થયેલી પ્રતિરોધકતાની સમસ્યાના નિવારણ માટે પ્રાકૃતિક ખેતી (Natural Farming) એક અસરકારક અને ટકાઉ વિકલ્પ છે. પ્રાકૃતિક ખેતીમાં જમીનને જીવંત રાખવા, ઝેરમુક્ત ઉત્પાદન મેળવવા અને અંતે માનવ આરોગ્યનું સંરક્ષણ કરવા પર ભાર મૂકવામાં આવે છે.

     આ પદ્ધતિમાં રાસાયણિક ખાતરો અથવા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેના બદલે ગાયનું ઘન, ગાયનું મૂત્ર, જીવામૃત, બીજામૃત, વાપસા સિદ્ધાંત અને મલ્ચિંગ જેવી સ્થાનિક અને કુદરતી પદ્ધતિઓ દ્વારા પાકને રક્ષણ અને પોષણ આપવામાં આવે છે.

     પ્રાકૃતિક ખેતી થકી જમીનનું સ્વાસ્થ્ય સ્વાભાવિક રીતે સુધરે છે, જેના કારણે પાકમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ખેડૂતનો ખર્ચ 60% થી 80% સુધી ઘટે છે, કારણ કે રાસાયણિક દવા-ખાતર ખરીદવાની જરૂર રહેતી નથી. પાણીની જરૂરિયાત ઓછી હોય છે, કારણ કે મલ્ચિંગ જમીનમાં ભેજ જાળવી રાખે છે. ખોરાક ઝેરમુક્ત મળી રહે છે, જે માનવ આરોગ્ય માટે વધુ સલામત છે. પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોનો જમીન પરનો નિયંત્રણ અને ઉત્પાદન ટકાઉ બને છે, જે તેમને લાંબા ગાળે આર્થિક રીતે મજબૂત બનાવે છે.

     રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રાકૃતિક ખેતી ઝડપથી લોકપ્રિય બની રહી છે. અનેક રાજ્યોમાં ખેડૂતો એન્જીઓ અને કૃષિ વિભાગોની મદદથી આ પદ્ધતિ અપનાવી રહ્યા છે. આ પદ્ધતિ અપનાવતા ખેડૂતોનું કહેવું છે કે પાકની ગુણવત્તા સુધરે છે અને બજારમાં પણ ઝેરમુક્ત પાકને વધુ માંગ મળે છે.

     જંતુનાશક દવાઓના જોખમ વધતા પ્રાકૃતિક ખેતી કૃષિ ક્ષેત્ર માટે જરૂરી મોડેલ તરીકે ઉભરી રહી છે. તેની મદદથી બનાવેલા ખાદ્યપદાર્થો માત્ર સુરક્ષિત જ નહીં પણ પોષક અને આરોગ્યપ્રદ પણ બને છે. પાછલા કેટલાક વર્ષોમાં વૈજ્ઞાનિકો અને કૃષિ નિષ્ણાતોએ પણ જૈવિક અને પ્રાકૃતિક ખેતીને જંતુનાશક દવાઓના વિકલ્પ તરીકે પ્રોત્સાહિત કરી રહ્યા છે.