ગુજરાતના ઐતિહાસિક સૌથી જૂના કચ્છ મ્યૂઝિયમમાં ક્યૂરેટર તરીકે ડૉ.મહેન્દ્ર સિંહ સુરેલાની નિમણૂક

 ગુજરાતની અસ્મિતા સમાન અને ૧૪૮ વર્ષનો ગૌરવવંતો ઇતિહાસ ધરાવતા ‘કચ્છ મ્યૂઝિયમ’ના ક્યૂરેટર તરીકે ડૉ. મહેન્દ્ર સિંહ સુરેલાની નિમણૂક કરવામાં આવી છે. મ્યૂઝિયમના નવનિયુક્ત ક્યૂરેટર ડૉ. મહેન્દ્ર સિંહ સુરેલા એક અભ્યાસુ અધિકારીશ્રી છે. તેઓએ ચાર અલગ-અલગ વિષયોમાં અનુસ્નાતક (M.A.) ની પદવી પ્રાપ્ત કરી છે. ખાસ કરીને સંગ્રહાલય વિષયમાં UGC NET તથા JRF જેવી પ્રતિષ્ઠિત પરીક્ષાઓ ઉત્તીર્ણ કરેલી છે. ટુરિઝમ અને હેરિટેજ ક્ષેત્રે તેમનો બહોળો અનુભવ કચ્છ મ્યૂઝિયમના માધ્યમથી કચ્છની વિરાસતને વિશ્વસ્તરે ઉજાગર કરવામાં ચાવીરૂપ સાબિત થશે.

        તેઓએ પોતાની નોકરીના કાર્યકાળમાં પાટણ જિલ્લામાં ૧૧મી સદીની વીરાંગના રાજમાતા નાયિકાદેવીના સ્મારક મ્યૂઝિયમને વિકસાવવામાં અને ગુજરાત સરકારના મહિલા સશક્તિકરણ અભિયાનને વેગવંતું બનાવવામાં યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત, યુવા સંસદ (Youth Parliament) કાર્યક્રમમાં છેલ્લા ત્રણ વર્ષથી તેઓ જિલ્લા અને રાજ્ય સ્તરે જ્યુરી મેમ્બર તરીકે સેવા આપી, યુવાનોને લોકશાહી પ્રક્રિયાથી અવગત કરી રહ્યા છે.

        ડૉ. સુરેલાએ ચાર્જ સંભાળતાની સાથે જ મ્યૂઝિયમના નવીનીકરણ પર ભાર મૂક્યો છે. તેઓએ મ્યૂઝિયમની ઐતિહાસિક ઈમારતનું રિનોવેશન સંબંધિત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા સરકારમાં દરખાસ્તો રજૂ કરી છે.  છેલ્લા ત્રણ વર્ષથી બંધ પડેલી ઓબ્જેક્ટ ડિટેલિંગ અને લેબલિંગની કામગીરી પુનઃ શરૂ કરવામાં આવી છે. લાંબા સમયથી બંધ ગેલેરીઓને પણ મુલાકાતીઓ માટે ફરીથી જીવંત કરવામાં આવી રહી છે. કચ્છ મ્યૂઝિયમ માત્ર એક ઈમારત નહીં, પરંતુ એક જીવંત સાંસ્કૃતિક કેન્દ્ર છે તેમ ડૉ. મહેન્દ્ર સિંહ સુરેલા એ જણાવ્યું હતું.