ભુજ મામલતદાર કચેરી ખાતે મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ- SIR અન્વયે કેમ્પ યોજાયો

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા હાલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજયની સૂચના અન્વયે અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી, કચ્છનાના માર્ગદર્શન તળે ભુજ મામલતદાર કચેરી શહેર તથા ગ્રામ્ય ખાતે બે દિવસીય ખાસે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે હેઠળ આજે તા.૨૯ના પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં મતદારોએ કેમ્પનો લાભ લીધો હતો.
આજરોજ ભુજ મામલતદાર કચેરી ગ્રામ્ય તથા શહેર બંને ખાતે યોજાયેલા કેમ્પમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અન્વયે બાકી રહેતા મતદારો જેઓને ગણતરી ફોર્મ મળેલ ન હોય, અથવા ગણતરી ફોર્મ પરત આપવાનું બાકી હોય તેવા મતદારોને ગણતરી ફોર્મ (EF) ભરવા, સને ૨૦૦૨ની મતદારયાદીમાંથી પોતાનું કે માતા-પિતા-દાદા-દાદીનું નામ શોધવા અને ભરેલા ગણતરી ફોર્મ સ્વીકારવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, તા.૩૦-૧૧-૨૦૨૫ સવારે ૧૦-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ કલાક સુધી ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મતદારો ગણતરી ફોર્મ ભરીને (Enumaration Form) સદર કેમ્પ ખાતે જમા કરાવી શકશે.