ભાવનગર જિલ્લાના અને સિહોર તાલુકાના વાવડી ગામે ગત મધ્યરાત્રીના અરસામાં પરિવાર નિંદ્રાધીન હતો. તે વેળાએ તસ્કરોએ બારીની ગ્રીલ કાપી મકાનમાં પ્રવેશી કબાટમાંથી રોકડ અને દાગીના મળી લાખોની તસ્કરી કરી અન્ય પાડોશીના મકાનમાં પાર્ક કરેલ બાઈકની તસ્કરી કરી ફરાર બન્યા હતા. બનાવની જાણવા મળતી વિગતો મુજબ સિહોર તાલુકાના વાવડી (ગજાભાઈ) ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા મીઠાભાઈ અરજણભાઈ પરમાર (ઉ.વ.60)એ સોનગઢ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગત રાત્રિના અરસામાં તેઓ અને તેઓનો પરિવાર મકાનના ફળિયા અને અગાશીમાં નિંદ્રાધીન હતો. તે વેળાએ મોડી રાત્રીના અરસામાં અજાણ્યા ઇસમોએ તેઓના રહેણાંકી મકાનમાં ગેરકાયદે પ્રવેશ કરી બારીની ગ્રીલ તોડી રૂમમાં પ્રવેશી લોખંડનો કબાટ તોડી તેમાં રાખેલ સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 2,33,700 ના માલમત્તાની તસ્કરી કરી હતી. જ્યારે તેની પાડોશમાં રહેતા સાહેદ વિપુલભાઈ લાલજીભાઈ સરવૈયાના મકાનમાં પાર્ક કરેલ બાઈક નં. જીજે 04 ડીજી 1760ની તસ્કરી કરી ફરાર બન્યા હતા. ઘટનાની જાણ થતાં સોનગઢ પી.એસ.આઈ. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો જ્યારે ફરિયાદ અનુસંધાને અજાણ્યા ઇસમો વિરૂધ્ધ તસ્કરી સંદર્ભે ગુનો દાખલ કરી ધોરણસર તજવીજ હાથ ધરી હતી.