અંજાર ખાતે વેલસ્પન કંપનીના ડી.આઈ. પાઈપ યુનિટનો શુભારંભ કરાવતા કેન્દ્રિય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ

આજરોજ કચ્છના અંજાર તાલુકાના વર્ષામેડી ખાતે કેન્દ્રિય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે વેલસ્પન કંપનીના ડી.આઈ. પાઈપ યુનિટનો શુભારંભ કરાવ્યો હતો. કેન્દ્રિય જળશક્તિ મંત્રીશ્રીએ વેલસ્પન કંપનીની મુલાકાત લઈને કંપનીના ઓપરેશન, આંતરરાષ્ટ્રીયકક્ષાની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટઝને નિહાળી હતી.
વેલસ્પન કંપનીના ૩૯માં સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવીને કેન્દ્રિય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વેલસ્પન કંપની માત્ર હોમ ટેક્સટાઈલ કે પાઈપ જ નથી બનાવી રહી પણ જળસંચય ક્ષેત્રે પણ પોતાની સામાજિક જવાબદારી નિભાવી રહી છે. ૨૦૪૭મા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં વેલસ્પન કંપની મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે તેમ જણાવી જળશક્તિ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આંતરરાષ્ટ્રીયકક્ષાના ઉચ્ચ ગુણવત્તા પ્રોડક્ટ આજે વેલસ્પન કંપનીના પ્લાન્ટમાંથી નિર્માણ થઈ રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના વિઝન અંતર્ગત દેશના કરોડો ઘરોમાં નલ સે જલ યોજનાથી શુદ્ધ પેયજળ પહોંચ્યું છે. કેન્દ્રિય જળશક્તિ મંત્રીશ્રીએ નાગરિકોને “કેચ ધ રેઈન” અભિયાનમાં સહભાગી બનીને પાણી બચાવવાને જન આંદોલન બનાવવા આહવાન કર્યું હતું. આવનારી પેઢીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પાણી બચાવવું ખૂબ જ જરૂરી છે તેમ જણાવીને જળસંચય ક્ષેત્રે વેલસ્પન કંપનીના પ્રયાસો, પ્રકલ્પો અને સંશોધનોને જળશક્તિ મંત્રીશ્રીએ બિરદાવ્યા હતા.
આ પ્રસંગે વેલસ્પન ગ્રૂપની વિવિધ કંપનીઓને અલગ અલગ કેટેગરીમાં બેસ્ટ કામગીરી અને લક્ષ્યાંકો હાંસલ કરવા બદલ કેન્દ્રિય જળશક્તિ મંત્રીશ્રીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
વેલસ્પન વર્લ્ડના ચેરમેનશ્રી બી.કે. ગોયેન્કાએ સ્વાગત પ્રવચન કરીને કંપનીના નવીન ડી.આઈ. પાઈપ પ્લાન્ટ યુનિટ અને ગ્રૂપની સફળતાના કહાણી વિશે સૌને માહિતગાર કર્યા હતા. ભૂકંપ બાદ અંજાર ખાતે ટોવેલ અને પાઈપ પ્લાન્ટની સ્થાપનામાં સરકારના સહયોગ બદલ ચેરમેનશ્રીએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી અને કેન્દ્રિય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ નલ સે જલ યોજનામાં ભારત સરકારે હાંસલ કરેલા લક્ષ્યાંકો તેમજ પેયજળમાં આવેલા આમૂલ પરિવર્તનને ઐતિહાસિક ગણાવ્યું હતું.
આ પ્રસંગે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા, પાણી પુરવઠા અને જળ સંપત્તિ રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ, કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યશ્રી સર્વશ્રી માલતીબેન મહેશ્વરી, શ્રી મુકેશ પટેલ, અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ અને શ્રી ધવલભાઈ આચાર્ય, વેલસ્પન ગ્રૂપના ચેરમેનશ્રી બી.કે. ગોયેન્કા, વેલસ્પન લિવિંગ લિમિટેડના સીઈઓ અને ચેરમેનશ્રી દિપાલી ગોયેન્કા, વેલસ્પન વર્લ્ડના એમડીશ્રી રાજેશ માંડવેવાલા, અંજાર પ્રાંત અધિકારીશ્રી એસ.જે.ચૌધરી સહિત અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને કંપનીના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.