કચ્છ શાખા નહેરની સાંકળ ૨૩૨.૨૪૩ કિ.મી તથા સાંકળ ૨૩૬.૭૬૫ કિ.મીને સંલગ્ન નહેરના સર્વિસ રોડ તથા ઇન્સ્પેકશન રોડ પરથી ભારે તથા અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ
કચ્છ શાખા નહેરની સાંકળ ૨૩૨.૨૪૩ કિ.મી તથા સાંકળ ૨૩૬.૭૬૫ કિ.મીને સંલગ્ન નહેરના સર્વિસ રોડ તથા ઇન્સ્પેકશન રોડ પરથી પસાર થતાં ભારે તથા અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવા જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત રજૂ થતાં ભવિષ્યમાં કોઇ અકસ્માત કે મોટી જાનહાની ન થાય તે માટે બ્રિજ પરથી ભારે તથા અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી) અન્વયે જાહેર કરાયું છે. આ જાહેરનામામાંથી સરકારી વાહનો તથા સરકારી કામે રોકવામાં આવેલા વાહનો, એમ્બ્યુલન્સ વાહનો, ફાયર બ્રિગેડના વાહનો, પોલીસ અધિક્ષકશ્રી, પૂર્વ કચ્છ –ગાંધીધામ/સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી, અંજાર દ્વારા અધિકૃત કરેલા વાહનોને મુક્તિ આપવામાં આવશે. આ હુકમ સામે કોઇ શખ્સને વાંધો કે સુચન હોય તો તેઓએ પોતાના વાંધાઓ કે સુચનો પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી ૩૦ દિવસમાં કચેરીને મળી જાય તે રીતે મોકલી આપવું. ત્યારબાદ આવેલા વાંધા કે સૂચનો ધ્યાને લેવામાં આવશે નહી અને આખરી જાહેરનામું બહાર પાડવામાં આવશે.