૩ લાખ સુધીનો ઓપરેશનનો ખર્ચ સરકારે ઉઠાવીને નાગરિકના વાલીની ભૂમિકા અદા કરી

“આયુષ્યમાન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” યોજનાના લાભથી રાજ્યના અનેક લોકોને નવું અને સુખદ જીવન પ્રાપ્ત થયું છે. સરકાર દ્વારા આ યોજનાના માધ્યમથી દર્દીઓને કરવામાં આવતી નિ:શુલ્ક સારવાર થકી આર્થિક રીતે ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો માટે આ યોજના વરદાનરૂપ સાબિત થઇ છે. ત્યારે આવો જ લાભ ભુજ તાલુકાના સુખપર ગામના જસુબેન ધનાણીને મળતા તેઓ સ્વસ્થ બની ફરી પોતાના પગે ચાલતા થયા છે.
૬૪ વર્ષીય જસુબેન ધનજી ધનાણી જણાવે છે કે, ઉંમરના કારણે બંને ઘુંટણની ગાદીમાં ઘસારો આવી જતાં તેઓ માટે ઘરમાં પણ હરવું ફરવું મુશ્કેલ બની ગયું હતું. પલંગ પરથી ઉભા થવામાં પણ દર્દથી ચીસ નીકળી જાય તેટલો દુખાવો થતો હતો. નીચે બેસી શકવું કે થોડા ડગલા ચાલવું પણ મુશ્કેલ બની જતાં પથારીવશ સ્થિતિ બની ગઇ હતી. આ દરમિયાન ખાનગી હોસ્પિટલમાં ઘુંટણની તપાસ કરતા ડોક્ટર દ્વારા ઓપરેશન માટે રૂ. ૩ લાખનો ખર્ચ કહેતા ખર્ચેને કઇ રીતે પહોંચી વળાશે તે અંગે ચિંતામાં મુકાઇ ગયા હતા. જો કે, આ દરમિયાન સંબંધીના માધ્યમથી આયુષ્યમાન કાર્ડ યોજના અંગે જાણકારી મળી હતી. જેથી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરતા કર્મચારીઓ દ્વારા તત્કાલ આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવતા બંને ઘુંટણનું નિ:શુલ્ક ઓપરેશન કરાવ્યું હતું. આજે કેન્દ્ર અને રાજ્ય સરકારની મદદના કારણે મારા પગનું સફળ ઓપરેશન થઇ જતાં હું ફરીથી મારા પગ પર ચાલી શકું છું તેની મને ખૂબ ખુશી છે.
જસુબેને વડાપ્રધાનશ્રી તથા મુખ્યમંત્રીશ્રીનો આભાર માનતા જણાવ્યું હતું કે, ઓપરેશન બાદ હું ફરી ઘરનું તમામ કામ કરી શકું છું. વાડીના કામ સાથે ગામના દરેક મંદિર સુધી કોઇપણ દર્દ વગર દર્શન માટે રોજ જાઉં છું. મને કોઇ પ્રકારની સમસ્યા નથી. સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકોને કરાતી મદદથી અનેક લોકોને ફાયદો થઇ રહ્યો છે. સરકાર ખરા અર્થમાં અમારા વાલી બનીને કામગીરી કરી રહી છે.
જિજ્ઞા વરસાણી