રાજ્યમાં મહેસુલી સુધારાથી જમીન નોંધણીથી લઈને બિનખેતીની મંજૂરી સુધીની પ્રક્રિયાઓ વધુ ઝડપી, સરળ અને પારદર્શક બની

રાજ્યના નાગરિકો સુધી પ્રભાવી અને અસરકારક સેવા વિતરણ સુનિશ્વિત કરવા માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે જરૂરી મહેસૂલી સુધારા કરીને સુશાસનનું દૃષ્ટાંત રજૂ કર્યું છે. ગુજરાત સરકારે અમલમાં મૂકેલા વ્યાપક સુધારાઓ આજે રાજ્યના ખેડૂતો, ઉદ્યોગો અને વિકાસ પ્રોજેક્ટ્સ માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે. આ સુધારાઓને લીધે જમીન નોંધણીથી લઈને બિનખેતીની મંજૂરી સુધીની પ્રક્રિયાઓને સરળ, પારદર્શક અને ડિજિટલ બનાવવાથી રાજ્યના વિકાસને નવી ગતિ મળી છે. જેથી નાગરિકો માટે ટેક્નોલોજી આધારિત વહીવટ વ્યવસ્થા ઉભી થતાં ખુશીની લાગણી વ્યકત કરી કચ્છના ભુજ તાલુકાના કુનરિયા ગામના ખેડૂતશ્રી નરસિંહ નારણભાઈ કેરાસીયાએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.

ખેડૂત નરસિંહ નારણભાઈ કેરાસીયાએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં જમીન ફાળવણી, જમીન નોંધણી, જમીન માપણી તથા આધાર પૂરાવાઓ બનાવવાની પ્રક્રિયા ખૂબ જટીલ હતી જેથી અમને મુશ્કેલીઓ ઉભી થતી હતી. અમારે ખેતીનું કામ મુકીને તાલુકાકક્ષા કે જિલ્લાકક્ષાની ઓફિસોમાં રૂબરૂ જઈને દસ્તાવેજી કામ કરવા પડતાં હતાં. ત્યારે ગુજરાત સરકારે અમલમાં મૂકેલા વ્યાપક મહેસુલી સુધારાઓથી સરળ અને ટેક્નોલોજી આધારિત વહીવટ માળખુ ઉભુ થયું છે જેના કારણે ખેડૂતો ગ્રામ પંચાયતમાં તેમજ ઘરે બેઠા સરળતાથી આ સેવાઓનો લાભ લઈ શકે છે. વધુમાં ખેડૂત નરસિંહભાઈ કેરાસીયાએ જણાવ્યું હતું કે, જમીન નોંધણી સહિતની મહેસુલી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન બનતા નાગરિકોનો સમય બચે છે અને સરળતાથી આધાર પૂરાવાઓ અને જરૂરી દસ્તાવેજો બનાવી શકાય છે. આ સરળ કામગીરી બદલ નરસિંહભાઈએ ખેડૂતો વતી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મહેસૂલ વિભાગે એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ ગવર્નન્સને નવી ગતિ આપી છે. જમીન ફાળવણીને લગતા સુધારા અંતર્ગત iORA પોર્ટલ દ્વારા રાજ્યના નાગરિકો સુધી ઝડપી અને પારદર્શક સેવાઓ પહોંચવામાં સરળતા મળી છે. 7/12 સિવાય, વારસાઈ નોંધ, બિનખેતીની પરવાનગી અને જમીન માપણી જેવી 36થી પણ વધુ મહેસૂલી સેવાઓનો લાભ iORA પોર્ટલ દ્વારા ઘેરબેઠાં લઈ શકાય છે.