અદાણી ફાઉન્ડેશન દ્વારા લુણી ગામે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ: કન્યા શિક્ષણને વિશેષ પ્રોત્સાહન

અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદરા તાલુકાના લુણી ગામે માછીમાર સમુદાય તથા આર્થિક રીતે પછાત
પરિવારોના બાળકોના શિક્ષણને વેગ આપવા માટે, દર વર્ષની જેમ આ વર્ષે પણ શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમનું આયોજન
કરવામાં આવ્યું હતું. ગામની પ્રતિષ્ઠિત એસ.એમ.જે. હાઈસ્કૂલમાં આયોજિત આ કાર્યક્રમમાં ધોરણ ૯થી ૧૨ સુધી અભ્યાસ
કરતા ૨૫ વિદ્યાર્થીઓ તેમજ બી.એ., બી.કોમ અને આઈટીઆઈમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા ૬ યુવાનો – કુલ ૩૧
વિદ્યાર્થીઓને શૈક્ષણિક શિષ્યવૃત્તિના ચેક વિતરિત કરવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે કન્યા શિક્ષણને વધુ પ્રોત્સાહન
આપવા માટે દીકરીઓને ૧૦૦ ટકા અને દીકરાઓને ૮૦ ટકા સુધીની ફી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા ગવાયેલી પ્રાર્થના અને સુંદર સ્વાગત ગીતથી થઈ હતી. શાળાના આચાર્ય હાલેપોત્રા
અકબરખાને પોતાના પ્રાસંગિક પ્રવચનમાં અદાણી ફાઉન્ડેશનની છેલ્લા ૧૩ વર્ષથી ચાલતી શિષ્યવૃત્તિ યોજનાને
હૃદયપૂર્વક વંદન કર્યા હતા અને જણાવ્યું હતું કે, “આવી સહાયને કારણે માછીમાર સમાજના કોઈ પણ બાળકને આર્થિક
કારણોસર શિક્ષણથી વંચિત રહેવું ન પડે તે માટે અદાણી ફાઉન્ડેશન સતત પ્રયાસ કરે છે.” તેમણે વાલીઓને અપીલ કરી કે
વધુને વધુ પરિવારો આ યોજના સાથે જોડાય અને પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરિત કરે. બાળકોને શિક્ષિત કરવું
એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે.
શિષ્યવૃત્તિના ચેક અદાણી ફાઉન્ડેશનના વિજય ગોસાઈ અને રાધુ ગોયલના હસ્તે શાળાના આચાર્ય શ્રીને સોંપવામાં આવ્યા
હતા. અદાણી ફાઉન્ડેશન તરફથી પ્રદીપસિંહ વાઘેલાએ વિદ્યાર્થીઓને સંબોધન કરતાં કહ્યું કે, “આજે તમને મળતી આ
સહાય માત્ર નાણાકીય મદદ નથી, પરંતુ તમારા મોટા સપનાઓને પાંખો આપવાનો પ્રયાસ છે. સતત મહેનત કરો, ઊંચું
વિચારો અને ભવિષ્યમાં પોતાના ગામ તથા સમાજનું નામ રોશન કરો.” તેમણે વધુમાં કહ્યું કે આવનારા વર્ષોમાં વધુ
વિદ્યાર્થીઓ ટેકનિકલ અને વ્યવસાયિક શિક્ષણ તરફ આગળ વધે તે માટે ફાઉન્ડેશન હંમેશા તત્પર રહેશે. શાળાના ટ્રસ્ટી
નઝરુદીનભાઈએ જણાવ્યું કે, “અદાણી ફાઉન્ડેશન વિદ્યાર્થીઓના શિક્ષણ માટે સતત ચિંતિત રહીને જરૂરી સહયોગ આપે છે.
તેની સામે વિદ્યાર્થીઓએ પણ સખત મહેનત કરીને ઉત્તમ પરિણામો લાવવા જોઈએ.” તેમણે ઉમેર્યું કે કોઈપણ પ્રકારના
સહયોગની જરૂર પડે તો શાળા પરિવાર હંમેશા તૈયાર રહેશે.
કાર્યક્રમમાં માછીમાર સમાજના આગેવાનો, મોટી સંખ્યામાં વાલીઓ, શાળાના ટ્રસ્ટી શ્રી નઝરુદીનભાઈ, શિક્ષકો તથા
સ્ટાફની ઉપસ્થિતિથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. ઘણા વાલીઓએ અદાણી ફાઉન્ડેશનનો આભાર માનતાં કહ્યું કે
આ સહાયથી તેમના બાળકોનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બની રહ્યું છે. કાર્યક્રમના અંતે શાળા તરફથી તમામ
મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અદાણી ફાઉન્ડેશનના રાધુ ગોયલ, વિજય ગોસાઈ, પ્રદીપસિંહ વાઘેલા,
અશોક સોધમ તથા એસ.એમ.જે. હાઈસ્કૂલના ટ્રસ્ટીઓ અને શિક્ષકવર્ગના સંપૂર્ણ સહયોગથી આ કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો
હતો.