ભુજ એન્જિનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ વોલ્ટેજની બેટરી ધરાવતા ઇલેક્ટ્રીક ટુ-વ્હીલર વાહનો એક જ ચાર્જરથી ચાર્જ કરી શકાય તેવું “વેરીએબલ EV બેટરી ચાર્જર” બનાવ્યું

યુવાઓ ભારતનું ઉજ્જવળ ભવિષ્ય છે. વિકસિત ભારતના સપના સાકાર કરવા માટે દેશનો દરેક યુવા આત્મનિર્ભર બને, પોતાના કૌશલ્ય, ચાતુર્યની મદદથી નવા ઇનોવેશન કરીને પ્રગતિ કરે તે માટે ગુજરાત સરકાર દ્વારા યુવા વિદ્યાર્થીઓને “વિદ્યાર્થી પ્રારંભ અને ઇનોવેશન નીતિ (SSIP)” અંતર્ગત ફંડ ફાળવીને સંશોધન માટે આર્થિક સહાય, માર્ગદર્શન તથા કોલેજકક્ષાએ યોગ્ય વાતાવરણ પુરું પાડીને પ્રોત્સાહિત કરી રહી છે. જેના પરીણામે કોલેજ, પોલિટેક્નિક તથા એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ નવા નવા ઇનોવેશન કરી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારના પ્રોત્સાહન તથા આર્થિક સહયોગથી ભુજના એન્જિનિયરિંગ કોલેજના ઇલેક્ટ્રીક વિભાગના વર્ષ-૨૦૨૫માં ઇલેક્ટ્રીકમાં બેચલરનો અભ્યાસ કરનારા શક્તિસિંહ જાડેજા તથા તેના ૪ સાથી વિદ્યાર્થીઓએ આવું જ કંઇક ઇનોવેશન કરી બતાવ્યું છે. જે ભવિષ્યમાં ઇલેક્ટ્રીક વાહનોના ખરીદારો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તમામ ટુ- વ્હીલર ઇલેક્ટ્રીક વાહનો માટે “વેરીએબલ EV બેટરી ચાર્જર” બનાવનારા વિદ્યાર્થીઓની આ શોધ ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

 વિદ્યાર્થીઓ માટે નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહિત કરતી સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 યોજના થકી વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ અને પ્રોટોટાઇપ માટે સહાય અને માર્ગદર્શન આપવામાં આવે છે. રાજ્યના યુવા ટેલેન્ટને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ ધપાવવાનું રાજ્ય સરકારનું મિશન વિદ્યાર્થીઓના સશક્તિકરણની દિશામાં આ એક ક્રાંતિકારી પહેલ છે. આ યોજનાની મદદથી ભુજ એન્જિનિયરીંગ કોલેજના અબડાસા તાલુકાના ત્રંબો ગામના શક્તિસિંહ જાડેજા, નયનકુમાર પટેલ, મનન રાઠોડ, ચિરાગ દેવાતવલ, શાહિલ વાડોર પોતાનું કૌશલ્ય દર્શાવી અલગ અલગ વોલ્ટેજ બેટરી ધરાવતા ઇલેક્ટ્રીક વાહનોને ચાર્જ કરવા માટે એક જ ઇ.વી ચાર્જરની જરૂરિયાત રહે તે દિશામાં એક પ્રોટોટાઇપ બનાવ્યું છે. 

આ અંગે ટીમના પ્રતિનિધિશ્રી શક્તિસિંહ જાડેજા જણાવે છે કે, ભુજની એન્જિનિયરીંગ કોલેજના ત્રીજા સેમેસ્ટરના  અભ્યાસ દરમિયાન તેમણે અને તેમના સાથી વિદ્યાર્થી મિત્રોને ઇલેક્ટ્રીક વાહનોને ચાર્જ કરવાને લઇને એક સમસ્યા ધ્યાને આવી હતી. આ સમસ્યામાંથી સમજાયું કે, વર્તમાન સમયમાં વિવિધ કંપનીના ઇલેક્ટ્રીક ટુ- વ્હીલર જે જુદા જુદા વોલ્ટેજની બેટરી ધરાવે છે. અને તેને ચાર્જ કરવા કંપનીનું આપેલું ચાર્જર જો બગડી જાય તો ગ્રાહકોને તગડા ખર્ચે નવું ચાર્જર લેવું પડતું હોય છે. જો એક જ પરીવારમાં બે થી ત્રણ જુદી જુદી બ્રાન્ડના ઇલેક્ટ્રીક વ્હીકલ હોય તો બધા માટે અલગ અલગ ચાર્જર લેવાની પરીવારજનોને ફરજ પડતી હોય છે. ઉપરાંત એ પણ ધ્યાન આવ્યું હતું કે, આ ચાર્જર મોંઘા હોવા સાથે તેમાં ઓટોક્ટ, થર્મલ પ્રોટેક્શન, હીટીંગ વગેરે મુદે કોઇ સલામતી હોતી નથી. તેથી ચાર્જીંગ સમયે આગ લાગવાની ઘટના નકારી શકાય નહીં!!

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આ સમસ્યાનો ઉકેલ લાવવા અમારી ટીમે માત્ર રૂ. ૧૫૦૦ના ખર્ચે તમામ ૦-૬૦ વોલ્ટેજ બેટરી ધરાવતા તમામ કંપનીના ઇલેક્ટ્રીક ટુ-વ્હીલર ચાર્જ કરી શકે તેવું “વેરીએબલ EV બેટરી ચાર્જર” બનાવ્યું છે. જેની કિંમત માત્ર રૂ.૧૫૦૦ છે. જે માર્કેટના ખૂબ જ મોંઘા બેટરી ચાર્જરની કિંમત કરતા પાંચ ગણું સસ્તું હોવા સાથે તેમાં અમે સલામતી ફીચર પણ આપ્યા છે. જેમ કે, ઓટોકટ, થર્મલ પ્રોટેક્શન, હીટીંગ વગેરે જેથી જો ચાર્જીંગ સમયે એક મર્યાદા કરતા વધુ હીટ જનરેટ થાય તો બેટરી ઓટોકટ થઇ જાય છે. જેથી આગ લાગવાની સમસ્યા સર્જાતી નથી. ગુજરાત સરકારના પ્રોત્સાહન તથા કોલેજ સમયમાં વિદ્યાર્થીઓ નવા નવા સંશોધન કરી શકે તે માટે ઉભી કરાયેલી ઇકોસિસ્ટમના પરીણામે તેઓ આ ઇનોવેશન કરી શક્યા છે તેમ જણાવતા તેમણે ગુજરાત સરકારનો આભાર માનીને ભવિષ્યમાં રાજ્ય સરકારની અન્ય યોજનાઓનો લાભ લઇને તેની પેટન્ટ તથા સ્ટાર્ટઅપ કરવાનું આયોજન હોવાનું જણાવ્યું હતું.

જિજ્ઞા વરસાણી