સૂર્ય નમસ્કારનો એક રાઉન્ડ સરેરાશ લગભગ ૧૩.૯ કેલરી બાળે છે

copy image

copy image

      ભારતીય સંસ્કૃતિમાં યોગ‌એ જીવનશૈલી સંતુલનમાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. વિભિન્ન યોગાસન શરીરના વિભિન્ન અંગને સ્વસ્થ રાખવાનું કાર્ય કરે છે. જેમાં સૂર્ય નમસ્કાર માત્ર એક યોગાસન નથી, પરંતુ તે ૧૨ શક્તિશાળી આસનોનો સમૂહ છે જે શરીર અને મન બંને માટે સંપૂર્ણ કસરત પૂરી પાડે છે. જો તમે વજન ઘટાડવા અને ચરબી ઓછી કરવા માટે એક અસરકારક અને સંતુલિત રીત શોધી રહ્યા છો, તો સૂર્ય નમસ્કાર એક ઉત્તમ વિકલ્પ છે. નિયમિત અભ્યાસથી આ પ્રાચીન યોગ ક્રમ તમારી મેદસ્વિતા મુક્તિની યાત્રાને વેગ આપી શકે છે.

સૂર્ય નમસ્કાર વજન ઘટાડવામાં કેવી રીતે મદદરૂપ છે?

          સૂર્ય નમસ્કાર વજન ઘટાડવામાં અને શરીરની ચરબી ઓછી કરવામાં નીચે મુજબની રીતે મદદ કરે છે:

૧. કેલરી બર્ન અને મેટાબોલિઝમમાં વધારો

       કેલરી બર્નિંગ: સૂર્ય નમસ્કારના ગતિશીલ આસનો અને સતત ગતિ (Dynamic Flow) હૃદયના ધબકારા     વધારે છે, જે તેને એક પ્રકારનો કાર્ડ વર્કઆઉટ બનાવે છે. નિષ્ણાંતોના મતે,  સૂર્ય  નમસ્કારનો  એક રાઉન્ડ  (એક સેટ)

 સરેરાશ લગભગ ૧૩.૯ કેલરી બાળે છે. ઝડપી ગતિએ ૧૨થી ૨૪ રાઉન્ડ કરવાથી ૩૦ મિનિટમાં ૪૦૦ થી વધુ કેલરી બર્ન થઈ શકે છે.

     મેટાબોલિઝમ બુસ્ટ: આ આસનોના ક્રમથી તમારા શરીરનું ચયાપચય (Metabolism) ઝડપી બને છે. પરિણામે, કસરત સમાપ્ત થયા પછી પણ તમારું શરીર વધુ કાર્યક્ષમ રીતે કેલરી બાળવાનું ચાલુ રાખે છે, જે મેદ મુક્તિ માટે મહત્ત્વપૂર્ણ છે.

૨. સ્નાયુઓને ટોન કરે છે

         સૂર્ય નમસ્કારના ૧૨ આસનોમાં સ્ટ્રેચિંગ (ખેંચાણ) અને સ્ટ્રેન્થનિંગ (મજબૂતી) બંનેનો સમાવેશ થાય છે. આનાથી હાથ, પગ, ખભા, પીઠ અને પેટના કોર મસલ્સ સહિત શરીરના લગભગ તમામ મુખ્ય સ્નાયુઓને ટોન મળે છે અને તે મજબૂત બને છે. આમ, વર્તમાન સમયમાં પ્રવર્તતી સામાન્ય માન્યતા કે જીમ વગર મસલ ટોન અપ ન થાય તેને સૂર્ય નમસ્કાર તદ્દન ખોટી સાબિત કરે છે.

          સ્નાયુ સમૂહ વધવાથી તમારો બેઝલ મેટાબોલિક રેટ (BMR) વધે છે, એટલે કે આરામની સ્થિતિમાં પણ તમારું શરીર વધુ કેલરીનો ઉપયોગ કરે છે, જે સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે.

૩. તણાવમાં ઘટાડો અને હોર્મોનલ સંતુલન

        સૂર્ય નમસ્કારમાં શારીરિક ગતિ સાથે શ્વાસનું સંકલન કરવામાં આવે છે, જે મનને શાંત કરે છે અને તણાવ ઘટાડે છે.

       ઓછો તણાવ એટલે કોર્ટિસોલ (Cortisol) હોર્મોનનું સ્તર નિયંત્રણમાં રહે છે. કોર્ટિસોલનું ઊંચું સ્તર પેટની આસપાસ ચરબી જમા કરવા માટે જવાબદાર ગણાય છે. તણાવમુક્ત રહેવાથી ભાવનાત્મક રીતે ખાનપાનની આદત પર પણ કાબૂ મેળવી શકાય છે.

૪. પાચનતંત્રમાં સુધારો

       આ આસનોના ક્રમમાં પેટના ભાગ પર દબાણ અને ખેંચાણ થાય છે, જે આંતરિક અવયવોની માલિશ કરે છે.  નિયમિત અભ્યાસથી પાચનતંત્ર સુધરે છે, પોષક તત્ત્વોનું શોષણ સારી રીતે થાય છે અને શરીરમાંથી ઝેરી તત્ત્વો (Toxins) દૂર થાય છે, જે સ્વસ્થતા જાળવવા માટે આવશ્યક છે.

મેદસ્વિતા મુક્તિ માટે સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવા?

          સૂર્ય નમસ્કારનો મહત્તમ લાભ લેવા માટે સવારે ખાલી પેટ સૂર્યોદય સમયે કરવાં જોઈએ. જેમાં ધીમી ગતિ લચીલાપણું અને ટોનિંગ માટે સારી રહે છે, પરંતુ વજન ઘટાડવા માટે ઝડપી ગતિએ (થોડો શ્વાસ ચડે તે રીતે) કરવાથી વધુ ફાયદો મળી રહેશે.

      શરૂઆત ૫ થી ૬ રાઉન્ડથી કરો. ધીમે ધીમે વધારીને ૧૨ થી ૨૪ રાઉન્ડ (સેટ) સુધી પહોંચવાનો પ્રયાસ કરવો. દરેક આસનમાં શ્વાસ લેવા અને છોડવાની ક્રિયા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો. અન્ય કોઈ પણ કસરતની જેમ, સૂર્ય નમસ્કારનો અભ્યાસ પણ રોજ કરવો જરૂરી છે. સૂર્ય નમસ્કારના ૧ સેટમાં ૧૨ આસનો ૧. પ્રણામાસન (પ્રાર્થના મુદ્રા) ૨. હસ્ત ઉત્તાનાસન ૩. પાદહસ્તાસન  ૪. અશ્વ સંચાલનાસન  ૫. દંડાસન ૬. અષ્ટાંગ નમસ્કાર ૭. ભુજંગાસન ૮. પર્વતાસન ૯. અશ્વ સંચાલનાસન (બીજા પગથી) ૧૦. પાદહસ્તાસન ૧૧. હસ્ત ઉત્તાનાસન ૧૨. પ્રણામાસન કરવામાં આવે છે.

  ‌    ‌સૂર્ય નમસ્કારના અનેક ફાયદાઓ છે. તેમ છતાં શિખાઉ લોકો માટે ખાસ સલાહ છે કે, જો તમને હૃદયની બીમારી, હાઈ બ્લડ પ્રેશર, કે સાંધામાં તીવ્ર દુખાવો હોય તો સૂર્ય નમસ્કાર શરૂ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી. શરૂઆતમાં આસનોની સાચી મુદ્રા શીખવા પર ભાર આપો, પછી જ ગતિ વધારો.

        સૂર્ય નમસ્કારએ માત્ર મેદસ્વિતા મુક્તિની કસરત જ નથી, પણ તંદુરસ્ત અને ઊર્જાવાન જીવનશૈલી અપનાવવાનું એક અસરકારક પગલું છે જેનો દૈનિક જીવનમાં ઉપયોગ તમામ અંગોની તંદુરસ્ત જાળવવામાં પણ મદદરૂપ બને છે.