માંડવી બીચ પર ટૂરિસ્ટો સાથે મારામારી : કચ્છના ટુરીઝમ પર ખતરો…

કચ્છમાં દેશ-વિદેશથી આવતા ટૂરિસ્ટો માટે પ્રસિદ્ધ માંડવી બીચ પર ગઈકાલે બનેલી એક ઘટનાએ સમગ્ર પ્રવાસન ક્ષેત્રને ચિંતામાં મુકી દીધું છે. જો કચ્છમાં આવતા ટૂરિસ્ટો પર થતા અત્યાચાર અને ગેરવર્તનને સમયસર અટકાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં ટૂરિસ્ટો કચ્છ તરફ મોઢું ફેરવવાનું બંધ કરી દે તેવી ગંભીર આશંકા વ્યક્ત થઈ રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, ગઈકાલે તારીખ 7 જાન્યુઆરીના રોજ બપોર પછીના ભાગે એક ટુરિસ્ટ બસ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો જૂથ કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ રહ્યો હતો. પ્રવાસના અંતે આ ટુરિસ્ટ બસ માંડવી બીચ પર પહોંચી હતી, જ્યાં વિદ્યાર્થીઓ કુદરતના સૌંદર્યનો આનંદ માણી રહ્યા હતા અને ફોટોગ્રાફી કરી રહ્યા હતા. આ દરમિયાન માંડવી બીચ પર સ્થાનિક રીતે ચાલતી કાયદેસર તથા ગેરકાયદેસર રાઈડ્સ જેમ કે સપોર્ટ બાઈક, ગુડ સવારી, નાની-મોટી રાઈડ્સ તેમજ ગુડ સવારી તેમજ ફોટોગ્રાફી બાબતે સ્થાનિક રાઈડ ચલાવનારાઓ અને ઘોડાના માલિકો દ્વારા વિદ્યાર્થીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરવામાં આવી હતી. વાત એટલી વધી ગઈ કે સ્થાનિક રાઈડ સંચાલકો ઘોડાના માલિકોએ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો પર હુમલો કરી મારામારી કરી હોવાનું સામે આવ્યું છે. આ ગંભીર ઘટનાને લઈ તરત જ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે કુલ સાત લોકો સામે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હાલ પૂરતું માંડવી બીચ પર તમામ પ્રકારની રાઈડિંગ પ્રવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે. આ ઘટના કચ્છના ટુરીઝમ ક્ષેત્ર માટે ચેતવણીરૂપ સાબિત થઈ રહી છે. જો કચ્છમાં આવતા પ્રવાસીઓને સુરક્ષા નહીં મળે અને આવા બનાવો સતત બનતા રહેશે તો કચ્છની છબી પર ગંભીર અસર પડશે અને ટુરીઝમ ક્ષેત્રને મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા છે. ટૂરિસ્ટોની સુરક્ષા, કાયદેસર વ્યવસ્થા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા તંત્રએ તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.
હાલ સમગ્ર મામલો પોલીસ તપાસ હેઠળ છે, પરંતુ કચ્છના ટુરીઝમને બચાવવા માટે કડક નિયમન અને અસરકારક અમલ જરૂરી બની ગયો છે. આ બાબતે માંડવી નગર પાલિકાની કાયદેસરની કેટલી જવાબદારી બને છે તે પણ જોવાનું રહ્યું. આવા દાદાગીરી કરનારા સંચાલકોને લાઈસન્સ અપાયું છે કે નહીં તે પણ તપાસ જરૂરી છે.
અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા માંડવી દ્વારા